TDOને બે આવેદનપત્રો, પ્રજાના પ્રશ્ને ઉગ્ર આંદોલનની ચીમકી: વાગરા તાલુકા કોંગ્રેસના નેતૃત્વમાં આજે વાગરા તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા વિકાસ અધિકારીને અલગ-અલગ ગંભીર મુદ્દાઓને લઈને બે આવેદનપત્રો પાઠવવામાં આવ્યા હતા. બંને આવેદનપત્રોમાં ગરીબ અને વંચિત પરિવારોના પ્રશ્નો તેમજ મહેસૂલી તલાટીઓની હડતાળને કારણે વિદ્યાર્થીઓ અને સામાન્ય પ્રજાને પડી રહેલી મુશ્કેલીઓ અંગે તંત્રનું ધ્યાન દોરવામાં આવ્યું છે. પ્રથમ આવેદનપત્રમાં વાગરા તાલુકાના પીપલીયા ગામના ઘરવિહોણા અને પ્લોટવિહોણા પરિવારોનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે. રજૂઆત મુજબ ગામમાં અનુસૂચિત જનજાતિ, અનુસૂચિત જાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ તેમજ રોજમજૂરી કરીને જીવન ગુજારતા અનેક ગરીબ પરિવારો વર્ષોથી દયનીય પરિસ્થિતિમાં રહે છે. કેટલાક પરિવારો પાસે પોતાના નામે રહેણાંક પ્લોટ નથી, જ્યારે કેટલાક પરિવારો એક જ નાનકડા મકાનમાં મોટા પરિવાર સાથે રહેવા મજબૂર છે. પ્લોટના અભાવે PMAY-Gનો લાભ પણ અટવાઈ રહ્યો હોવાનો આક્ષેપ આવેદનપત્રમાં કરવામાં આવ્યો છે. કોંગ્રેસ દ્વારા માંગ કરવામાં આવી છે કે પીપલીયા ગામમાં ઘરવિહોણા અને પ્લોટવિહોણા પાત્ર પરિવારોનો તાત્કાલિક સર્વે કરવામાં આવે અને સરકારની નીતિ મુજબ પાત્ર પરિવારોને 100 વારનો મફત રહેણાંક પ્લોટ ફાળવવામાં આવે. ત્યારબાદ તેમને પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણ હેઠળ મકાનનો લાભ પણ આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. આ રજૂઆતમાં વધુમાં જણાવાયું છે કે આ મુદ્દે ગ્રામ પંચાયત સમક્ષ અગાઉ પણ લેખિત તથા મૌખિક રજૂઆતો કરવામાં આવી હોવા છતાં અસરકારક કાર્યવાહી થઈ નથી. જેના કારણે ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. કોંગ્રેસે સમગ્ર પ્રક્રિયા સમયમર્યાદામાં પૂર્ણ કરી લાભાર્થી પરિવારોને ન્યાય આપવાની માંગ કરી છે.
તલાટીઓની હડતાળ સામે પણ તંત્રને ઘેર્યું: બીજા આવેદનપત્રમાં મહેસૂલી તલાટીઓની અનિશ્ચિત મુદતની હડતાળને કારણે આદિવાસી વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ અને જાતિના દાખલા માટે જરૂરી પેઢીનામાની કામગીરી અટકી પડવા અંગે ગંભીર સવાલો ઉઠાવવામાં આવ્યા છે. આવેદનપત્રમાં એક ગરીબ આદિવાસી પરિવારની દીકરીનો ઉલ્લેખ કરીને જણાવાયું છે કે શિષ્યવૃત્તિ અને આગળના અભ્યાસ માટે જાતિનો દાખલો જરૂરી છે, પરંતુ પેઢીનામા પર તલાટી-કમ-મંત્રીની સહી-સિક્કાની જરૂરિયાત હોવાથી હડતાળના કારણે તેની કામગીરી અટવાઈ છે. સરકારી કર્મચારીઓની હડતાળની સજા વિદ્યાર્થીઓ અને સામાન્ય નાગરિકોએ શા માટે ભોગવવી? તેવો વેધક સવાલ રજૂઆતમાં ઉઠાવવામાં આવ્યો છે. કોંગ્રેસે માંગ કરી છે કે હડતાળ દરમિયાન પ્રજાકીય કામગીરી સંપૂર્ણપણે ઠપ્પ ન થાય તે માટે વૈકલ્પિક અધિકારીને સત્તા સોંપી સહી-સિક્કાની કામગીરી ચાલુ રાખવામાં આવે. સર્કલ ઓફિસર, નાયબ મામલતદાર અથવા તાલુકા પંચાયતના વિસ્તરણ અધિકારીને કામચલાઉ સત્તા આપીને પેઢીનામાની કામગીરી તાત્કાલિક પૂર્ણ કરાવવાની માંગ કરવામાં આવી છે.
No Work No Pay મુદ્દે પણ તંત્રને સવાલ: આવેદનપત્રમાં હડતાળ દરમિયાન કર્મચારીઓના વેતન અંગે પણ સ્પષ્ટતા કરવાની માંગ કરવામાં આવી છે. કામ નહીં તો વેતન નહીં ના નિયમનો ઉલ્લેખ કરીને કોંગ્રેસે સવાલ કર્યો છે કે, વર્તમાન હડતાળ દરમિયાન કર્મચારીઓનું વેતન ચાલુ રાખવામાં આવ્યું છે કે બંધ કરવામાં આવ્યું છે? તેની સ્પષ્ટતા જાહેર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. સાથે જ વાગરા તાલુકાની તમામ પંચાયતોમાં હડતાળના સમયગાળા દરમિયાન આવક, જાતિ અને પેઢીનામા જેવા જરૂરી દાખલાઓની કામગીરી અટકી ન જાય તે માટે તાત્કાલિક વૈકલ્પિક વ્યવસ્થાનો પરિપત્ર બહાર પાડવા માંગ કરવામાં આવી છે.
કામ નહીં થાય તો ગાંધીચીંધ્યા માર્ગે આંદોલનની ચીમકી: આવેદનપત્રના અંતે ચેતવણીના સૂરમાં જણાવાયું છે કે જો આદિવાસી દીકરીનું શિષ્યવૃત્તિનું ફોર્મ અને પેઢીનામાની કામગીરી સત્વરે પૂર્ણ નહીં કરવામાં આવે, તો આદિવાસી સમાજ અને વાગરા તાલુકાની જનતાને સાથે રાખીને ગાંધીચીંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન તથા કચેરી સામે ધરણાં કરવાની ફરજ પડશે. આ સ્થિતિ ઊભી થશે તો તેની સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે તેવી સ્પષ્ટ ચીમકી આપવામાં આવી છે. આ રીતે વાગરા તાલુકા કોંગ્રેસે એક જ દિવસે ગરીબ પરિવારોને રહેણાંક પ્લોટ અને આવાસ યોજનાનો લાભ અપાવવાથી લઈને હડતાળના કારણે વિદ્યાર્થીઓની અટવાયેલી કામગીરી સુધીના મુદ્દે તંત્ર સામે સીધો મોરચો ખોલ્યો છે. હવે તંત્ર આ બંને આવેદનપત્રો અંગે કેટલી ઝડપથી કાર્યવાહી કરે છે અને પ્રજાના પ્રશ્નોનો કેટલો નિકાલ લાવે છે તે જોવું રહ્યું.
આસિફ પટેલની આગેવાનીમાં કોંગ્રેસનો તંત્ર સામે મોરચો, આગેવાનો સાથે અસરગ્રસ્ત પરિવારો પણ જોડાયા: વાગરા તાલુકા કોંગ્રેસ પ્રમુખ આસિફ પટેલની આગેવાનીમાં તાલુકા પંચાયત કચેરી ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો. આ વેળાએ કોંગ્રેસના ઉપપ્રમુખ, આગેવાનો અને કાર્યકરો સાથે આદિવાસી સમાજના આગેવાનો તેમજ પ્રશ્નોથી સીધી અસરગ્રસ્ત પરિવારો પણ ઉપસ્થિત રહ્યા હતા. મોટી સંખ્યામાં આગેવાનો અને અસરગ્રસ્તોની હાજરીથી રજૂઆતને વજન મળ્યું હતું. પ્રજાના પાયાના પ્રશ્નોનો તાત્કાલિક ઉકેલ લાવવા અને તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે કોંગ્રેસે પોતાની રજૂઆત મક્કમતાથી કરી હતી. આજે યોજાયેલી રજૂઆતથી એક વાત સ્પષ્ટ થઈ છે કે વાગરા તાલુકામાં પ્રજાના મૂળભૂત પ્રશ્નોને લઈને કોંગ્રેસ હવે માત્ર રજૂઆત પૂરતી નહીં, પરંતુ જરૂર પડે તો આંદોલનના માર્ગે જવાની તૈયારીમાં છે. હવે TDO અને તાલુકા તંત્ર આ રજૂઆતોને કેટલી ગંભીરતાથી લે છે અને અસરગ્રસ્ત પરિવારો તથા વિદ્યાર્થીઓને ક્યારે ન્યાય મળે છે તેના પર સૌની નજર છે.
Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com