Skip to main content

Geo Gujarat News

ભરૂચમાં રિક્ષાઓનો રાફડો! નવા ઓટો પરમિટ પર બ્રેક લગાવવાની માંગ, રેપિડો-ઓલાથી ચાલકો પર આર્થિક મારનો આક્ષેપ..

ભરૂચ શહેર અને જિલ્લામાં સતત વધી રહેલી ઓટો રિક્ષાઓને લઈને હવે રિક્ષા એસોસિએશન મેદાનમાં આવ્યું છે. નવા ઓટો રિક્ષા પરમિટ થોડા સમય માટે તાત્કાલિક બંધ કરવાની માંગ સાથે એસોસિએશન દ્વારા ફરી એકવાર જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. એસોસિએશનનું કહેવું છે કે રિક્ષાઓની વધતી સંખ્યાના કારણે પહેલેથી જ વકરેલી ટ્રાફિક સમસ્યા વધુ ગંભીર બની રહી છે. રિક્ષા એસોસિએશનના જણાવ્યા મુજબ ભરૂચ શહેરની સડકો પર સતત વધી રહેલા રિક્ષાના ભારણને કારણે ટ્રાફિક વ્યવસ્થા પર સીધી અસર પડી રહી છે. રસ્તાઓની ક્ષમતા મર્યાદિત છે, પરંતુ રિક્ષાઓની સંખ્યા સતત વધતી જાય તો ટ્રાફિકનું ભારણ કેવી રીતે ઘટશે? તેવો સવાલ ઉઠાવી નવા પરમિટ પર થોડા સમય માટે રોક લગાવી પરિસ્થિતિની સમીક્ષા કરવાની માંગ કરવામાં આવી છે. માત્ર ટ્રાફિક જ નહીં, પરંતુ રેપિડો અને ઓલા જેવી પ્રાઇવેટ કંપનીઓની સેવાઓ સામે પણ રિક્ષા ચાલકોમાં નારાજગી જોવા મળી રહી છેપરંપરાગત રિક્ષા ચાલકો વર્ષોથી મુસાફરોને સેવા આપી રહ્યા છે, ત્યારે એપ આધારિત ખાનગી સેવાઓના વધતા પ્રભાવથી તેમના ધંધા અને આવક પર સીધી અસર થઈ રહી હોવાનો આક્ષેપ એસોસિએશન દ્વારા કરવામાં આવ્યો છે. એસોસિએશને કલેક્ટર સમક્ષ સ્પષ્ટ માંગ કરી છે કે નવા રિક્ષા પરમિટના વિતરણ પર ટૂંકા સમય માટે રોક લગાવવામાં આવે તેમજ ખાનગી કંપનીઓની સેવાઓ અંગે યોગ્ય નિયંત્રણની વ્યવસ્થા કરવામાં આવે. રિક્ષા ચાલકોના હિત અને શહેરની ટ્રાફિક વ્યવસ્થા બંનેને ધ્યાનમાં રાખીને તંત્ર નક્કર નિર્ણય લે તેવી માંગ કરવામાં આવી છે. હવે જોવાનું એ રહેશે કે રિક્ષાઓની વધતી સંખ્યા, બગડતી ટ્રાફિક વ્યવસ્થા અને ખાનગી એપ આધારિત સેવાઓથી પરંપરાગત રિક્ષા ચાલકોની મુશ્કેલી અંગે કરાયેલી આ રજૂઆતને જિલ્લા તંત્ર કેટલી ગંભીરતાથી લે છે અને નવા પરમિટ પર ખરેખર બ્રેક લાગે છે કે નહીં.

 

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.

error: Content is protected !!