દક્ષિણ અમેરિકન દેશ કોલંબિયામાં આવેલા ૭.૪ ની અતિ વિનાશક તીવ્રતાના ભૂકંપે ભારે તારાજી સર્જી છે. તાજેતરના અહેવાલો મુજબ, આ કાળમુખી આપત્તિમાં અત્યાર સુધીમાં ૧૧૧ લોકોના કરુણ મોત નીપજ્યા છે, જ્યારે ૮૭ થી વધુ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. પશ્ચિમ કોલંબિયાના કૈલી, ક્વિબ્ડો, પેરેઈરા અને આસપાસના વિસ્તારોમાં ભૂકંપના ભયાનક આંચકાના કારણે આશરે ૧૬૦૦ જેટલી બહુમાળી ઈમારતો અને મકાનો ધરાશાયી થઈ ગયા છે અથવા તો તેમને ભારે નુકસાન પહોંચ્યું છે. સેંકડો લોકો હજુ પણ ધરાશાયી થયેલા મકાનોના કાટમાળ નીચે ફસાયા હોવાની ભીતિ સેવાઈ રહી છે, જેના પગલે બચાવ ટીમો દ્વારા યુદ્ધના ધોરણે રાહત અને શોધોધ ખોળની કામગીરી વધુ ઝડપી બનાવવામાં આવી છે.


આ ભયાનક કુદરતી હોનારતની તીવ્રતા એટલી પ્રચંડ હતી કે તેના આંચકા પડોશી દેશો વેનેઝુએલા અને ઇક્વાડોર સુધી અનુભવાયા હતા, જેનાથી સમગ્ર વિસ્તારમાં દહેશતનો માહોલ વ્યાપી ગયો છે. કાટમાળ નીચે દબાયેલા પોતાના સગા-સંબંધીઓને શોધવા પરિજનો ભારે મથામણ કરી રહ્યા છે, જ્યારે ગુમ થયેલા લોકોની જાણકારી મેળવવા નાગરિકોએ ઓનલાઈન પ્લેટફોર્મનો પણ સહારો લીધો છે. કોલંબિયા પર આવી પડેલી આ મોટી આપત્તિના સમયે અમેરિકાએ તાત્કાલિક સહાયની ઓફર કરી છે, તો યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકી સહિત વિશ્વના નેતાઓએ મૃતકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી કોલંબિયાના લોકો પ્રત્યે એકતા દર્શાવી છે. હાલ સમગ્ર અસરગ્રસ્ત વિસ્તારમાં ઈમરજન્સી જાહેર કરી બચાવ કામગીરી સતત ચાલુ રાખવામાં આવી છે.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com