ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં આવેલા પ્રાચીન અને ઐતિહાસિક પ્રવાસન સ્થળ કડિયા ડુંગરને ગોરાટિયા અને જેસપોર સાથે જોડતા અત્યંત મહત્વના માર્ગ પર તંત્રની ભયાનક બેદરકારી સામે આવી છે. કડિયા ડુંગરથી જેસપોર તરફ જતાં રસ્તા વચ્ચે આવેલી કોતર પરના નાળા પર બંને બાજુ સુરક્ષા રેલિંગ બનાવવામાં ન આવતાં દરરોજ હજારો વાહનચાલકોના જીવ જોખમમાં મુકાઈ રહ્યા છે. આ નાળા નજીક જ રસ્તો તીવ્ર વળાંકવાળો હોવાના કારણે ખાસ કરીને રાત્રિના અંધારામાં કોઈ અજાણ્યો કે ઝડપી વાહનચાલક સહેજ પણ ગફલત ખાશે તો સીધો ઊંડી કોતરમાં ખાબકશે તેવી પૂરેપૂરી શક્યતા સેવાઈ રહી છે. તંત્ર દ્વારા વારંવારની રજૂઆતો છતાં આ જોખમી વળાંક અને રેલિંગ વિહોણા નાળા પ્રત્યે આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે, જેને પગલે વાહનો ચલાવતા સ્થાનિકો અને પ્રવાસીઓમાં ભારે ફફડાટ અને આક્રોશ વ્યાપી ગયો છે.
અત્રે નોંધનીય છે કે, પાંડવકાલીન ઐતિહાસિક અવશેષો ધરાવતા કડિયા ડુંગર દર્શનાર્થે આવતા પ્રવાસીઓ ઉપરાંત નેત્રંગ અને રાજપારડી તરફ અવરજવર કરતા આસપાસના અનેક ગામોના ગ્રામજનો માટે આ માર્ગ મુખ્ય ધમધમતી રક્તવાહિની સમાન છે. આટલા વ્યસ્ત અને મહત્વના રસ્તા પર સુરક્ષાના પ્રાથમિક સાધનો કે રેલિંગનો બોગસ કે ગેરહાજર હોવો એ માર્ગ મકાન વિભાગની લાપરવાહી છતી કરે છે. સ્થાનિક વાહનચાલકો અને ગ્રામજનો આકરા પાણીએ માંગ કરી રહ્યા છે કે કોઈ મોટો ગમખ્વાર અકસ્માત સર્જાય કે નિર્દોષ લોકો કાળનો કોળિયો બને તે પહેલાં તંત્ર ઊંઘમાંથી જાગે. તાત્કાલિક ધોરણે આ નાળાની બંને તરફ મજબૂત પ્રોટેક્શન રેલિંગ અને ભયજનક વળાંકના સાઈનબોર્ડ મૂકવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે, નહિતર ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com