ભરૂચ પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી (RTO) દ્વારા માર્ગ સુરક્ષા અને ટ્રાફિક નિયમોનું કડકપણે પાલન કરાવવાના ઉદ્દેશ્યથી સમગ્ર જિલ્લામાં સઘન વાહન ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ એક મહિના લાંબી ઝુંબેશ દરમિયાન બેફામ અને નિયમો નો અનાદર કરીને વાહન ચલાવતા વાહનચાલકો સામે લાલ આંખ કરીને કુલ ૫,૨૦૪ ગુનાહિત કેસો નોંધવામાં આવ્યા હતા. તંત્ર દ્વારા આ ગંભીર બેદરકારી બદલ વાહનચાલકો પાસેથી રૂ. ૧૬,૬૩,૪૩૯ ની માતબર રકમનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે. આરટીઓ તંત્રની આ આકરી કાર્યવાહીમાં સૌથી વધુ ઓવરસ્પીડિંગ એટલે કે મર્યાદા કરતા વધુ ઝડપે વાહન ચલાવવાના ૧,૮૨૭ કેસ સામે આવ્યા છે, જે દર્શાવે છે કે રસ્તાઓ પર સ્પીડની મજા માણતા લોકો પોતાની અને અન્યોની જિંદગી જોખમમાં મૂકી રહ્યા છે.
આરટીઓ દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ નો-પાર્કિંગના ૭૪૪, પીયુસી (PUC) વગરના ૪૯૮ અને ડ્રાઇવિંગ લાઇસન્સ વિના બેફામ વાહન હંકારી રહેલા ૩૫૯ ચાલકોને દબોચી લેવાયા હતા. આ ઉપરાંત હેલ્મેટ વગરના ૩૧૯, વીમા વગરના ૨૩૪, ઓવરલોડિંગના ૨૦૯, અયોગ્ય નંબર પ્લેટના ૧૩૨ કેસ તેમજ ફિટનેસ, પરમિટ, સીટ બેલ્ટ અને વાહન ચલાવતી વખતે મોબાઇલના ઉપયોગ જેવા અન્ય નિયમભંગ બદલ આકરા દંડાત્મક પગલાં ભરાયા હતા. ભરૂચ RTO અધિકારી પી.આર. પઢિયારે કડક શબ્દોમાં ચેતવણી આપતાં જણાવ્યું છે કે ઓવરસ્પીડિંગ એ મોતને સીધું આમંત્રણ આપવા સમાન છે, જેનાથી ગમખ્વાર અકસ્માત સર્જાતાં નિર્દોષ લોકો અકાળે જીવ ગુમાવે છે. તેમણે વાહનચાલકોને તમામ દસ્તાવેજો સાથે રાખી, હેલ્મેટ અને સીટ બેલ્ટનો ફરજિયાત ઉપયોગ કરવા અપીલ કરવાની સાથે સ્પષ્ટ કર્યું છે કે માર્ગ અકસ્માતો અટકાવવા માટે આગામી દિવસોમાં પણ આ આકરું ચેકિંગ ચાલુ રાખવામાં આવશે.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com