Skip to main content

Geo Gujarat News

જંબુસર: ઈદના જુલૂસ પૂર્વે રસ્તા, ગટર અને સ્ટ્રીટ લાઈટની ખાડે ગયેલી વ્યવસ્થા સુધારવા માંગ, પૂર્વ વિપક્ષી નેતાએ નગરપાલિકામાં કરી ધારદાર રજૂઆત..

જંબુસર શહેરમાં મુસ્લિમ સમાજ દ્વારા આગામી સમયમાં ઈદ-એ-મિલાદની ભવ્ય ઉજવણી અંતર્ગત આકર્ષક જુલૂસ કાઢવાનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે જુલૂસના પરંપરાગત રૂટ પર બિસ્માર રસ્તાઓ અને સફાઈના અભાવે અસંતોષનો માહોલ જોવા મળી રહ્યો છે. જંબુસર નગરપાલિકાના પૂર્વ વિપક્ષી નેતા સાકીર મલેકે ગત તા. ૧૦ ઓગસ્ટના રોજ નગરપાલિકાના પ્રમુખ તેમજ ચીફ ઓફિસરને લેખિત પત્ર પાઠવીને જુલૂસના તમામ માર્ગો પર તાત્કાલિક ધોરણે સફાઈ સહિતની આવશ્યક સુવિધાઓ પૂરી પાડવા આકરી રજૂઆત કરી છે. પત્રમાં સ્પષ્ટ આક્ષેપ કરાયો છે કે શહેરમાં ચાલી રહેલી ગટર યોજના ફેઝ-૨ના અણઘડ કામકાજના કારણે સમગ્ર રસ્તાઓ ખોદી કાઢવામાં આવ્યા છે. ઠેર-ઠેર પડેલા મસમોટા ખાડા, કાચી માટીના ઢગલા અને અસમતલ રસ્તાઓના કારણે વાહનચાલકો અને રાહદારીઓની હાલત કફોડી બની ગઈ છે.રજૂઆતમાં ખાસ કરીને ગંજ શહીદ દરગાહ રોડ અને જલાલપુરા રોડ સહિત જુલૂસ પસાર થવાના મુખ્ય માર્ગો પરથી ત્વરિત કચરો હટાવી વિશેષ સફાઈ ઝુંબેશ ચલાવવાની મક્કમ માંગ કરવામાં આવી છે. આ ઉપરાંત, તહેવાર દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે બંધ પડેલી તમામ સ્ટ્રીટ લાઈટો ચાલુ કરવા, રોડ પરના ખાડાઓનું યોગ્ય પુરાણ કરી રીસર્ફેસિંગ કરવા, ઉભરાતી અને ખુલ્લી ગટરોની સફાઈ કરાવીને જોખમી જગ્યાઓએ તુર્ત જ નવા ઢાંકણાં મૂકવા તાકીદ કરવામાં આવી છે. ઈદના પવિત્ર પ્રસંગે જુલૂસમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડવાના હોવાથી તંત્ર દ્વારા કોઈ પણ જાતની બેદરકારી રાખ્યા વિના પ્રજાલક્ષી કામગીરી તાત્કાલિક પૂર્ણ કરવામાં આવે તેવી ઉગ્ર લોક માંગ ઉઠી છે.

 

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.

error: Content is protected !!