ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર તેમજ યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના સંયુક્ત ઉપક્રમે દેશના ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણીના ભાગરૂપે એક અદ્ભુત અને અભૂતપૂર્વ તિરંગા યાત્રાનું વિશાળ આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતેથી ભારે ઉત્સાહ અને દેશભક્તિના માહોલ વચ્ચે પ્રસ્થાન થયેલી આ યાત્રા પાંચબત્તી, રેલવે સ્ટેશન જેવા મુખ્ય ધમધમતા માર્ગો પર ફરીને પરત હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે સંપન્ન થઈ હતી. આ યાત્રામાં સૌથી વધુ ધ્યાન ખેંચનારું અને આકર્ષણનું કેન્દ્ર ૧૮૭ ફૂટથી પણ વધુ લાંબો વિશાળકાય રાષ્ટ્રધ્વજ રહ્યો હતો, જેને નગરજનોએ અત્યંત ગૌરવ સાથે લહેરાવ્યો હતો. પરંપરાગત બેન્ડ વાજાના સૂર અને આફ્રિકન મૂળના લોકકલાકારો દ્વારા રજૂ કરાયેલા પરંપરાગત સિદ્દી નૃત્યે તિરંગા યાત્રામાં અનોખો રંગપૂર્યો હતો, જેનાથી સમગ્ર ભરૂચ શહેર દેશભક્તિના રંગે રંગાઈ ગયું હતું.

રાષ્ટ્રીય એકતા, અખંડિતતા અને માતૃભૂમિ પ્રત્યેના સમર્પણનો દ્રઢ સંદેશ આપતી આ રેલીમાં શાળા-કોલેજના હજારો વિદ્યાર્થીઓ, વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓના હોદ્દેદારો, શિસ્તબદ્ધ પોલીસ જવાનો, સરકારી અધિકારીઓ અને રાજકીય આગેવાનો સાથે સામાન્ય પ્રજાજનો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. સમગ્ર યાત્રા દરમિયાન “ભારત માતા કી જય” અને “વંદે માતરમ” ના બુલંદ નારાઓથી શહરી માર્ગો ગુંજી ઊઠ્યા હતા. આ પ્રસંગે ભરૂચ જિલ્લા કલેક્ટર ડૉ. નવનાથ ગવ્હાણે, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે, જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા, ધારાસભ્યો રમેશ મિસ્ત્રી અને અરુણસિંહ રણા, જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી તેમજ મહામંત્રી પરેશ પટેલ સહિતના ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. સ્વાતંત્ર્ય પર્વની આ ભવ્ય ઉજવણીએ ભરૂચના નાગરિકોમાં દેશપ્રેમનો નવો સંચાર કર્યો હતો.

Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com