Skip to main content

Geo Gujarat News

રાજકોટ: ધોરાજીમાં વાયરલ રોગચાળાનો હાહાકાર, હોસ્પિટલમાં દર્દીઓનો ધસારો, રોજ 700-800ની OPDથી આરોગ્ય તંત્ર એલર્ટ! 

રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકમાં વાયરલ રોગચાળાએ જાણે માથું ઊંચક્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. શહેર અને તાલુકામાં તાવ, શરદી, ઉધરસ અને વાયરલ ઇન્ફેક્શનના કેસોમાં વધારો થતાં સરકારી હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ રહી છે. હાલની સ્થિતિને જોતા રોગચાળાએ ધોરાજીમાં ગંભીર સ્વરૂપ ધારણ કર્યું હોવાના સંકેતો મળી રહ્યા છે. વહેલી સવારથી જ ધોરાજીની સરકારી હોસ્પિટલની કેશ બારી અને OPD બહાર દર્દીઓની લાંબી કતારો જોવા મળી રહી છે. સારવાર માટે મોટી સંખ્યામાં લોકો હોસ્પિટલમાં ઉમટી પડતાં સમગ્ર હોસ્પિટલ પરિસરમાં ભારે ધસારો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને વાયરલ તાવ, શરદી અને ઉધરસની ફરિયાદો સાથે આવતા દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. ચોંકાવનારી બાબત એ છે કે ધોરાજી સરકારી હોસ્પિટલમાં હાલ દરરોજ અંદાજે 700થી 800 જેટલી OPD નોંધાઈ રહી છે. દર્દીઓની આટલી મોટી સંખ્યાએ સ્થાનિક આરોગ્ય વ્યવસ્થાની સામે પડકાર ઊભો કર્યો છે. સરકારી હોસ્પિટલ ઉપરાંત ખાનગી હોસ્પિટલોમાં પણ વાયરલ અને તાવના દર્દીઓની સંખ્યા વધતી હોવાનું સામે આવી રહ્યું છે.રોગચાળાની સ્થિતિને ધ્યાનમાં રાખીને હોસ્પિટલ તંત્રને એલર્ટ મોડ પર રાખવામાં આવ્યું છે. ધોરાજી સરકારી હોસ્પિટલના અધિક્ષક ડો. જયેશ સાહેબ વેસેટિયનના જણાવ્યા મુજબ, હાલ હોસ્પિટલમાં દરરોજ 700થી 800 જેટલા દર્દીઓની OPD થઈ રહી છે. દર્દીઓની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને 24 કલાક ડોક્ટર અને નર્સિંગ સ્ટાફની વ્યવસ્થા કરવામાં આવી છે.હોસ્પિટલ તંત્ર દ્વારા દવા, ઇન્જેક્શન સહિત જરૂરી સારવારનો જથ્થો પણ ઉપલબ્ધ રાખવામાં આવ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે, જેથી દર્દીઓને સારવાર દરમિયાન કોઈ મુશ્કેલી ન પડે. પરંતુ બીજી તરફ સવાલ એ છે કે ધોરાજીમાં વાયરલનો આટલો વ્યાપ કેમ વધી રહ્યો છે? તાવ, શરદી અને ઉધરસના દર્દીઓમાં અચાનક થયેલા વધારા પાછળનું ચોક્કસ કારણ શું છે? આરોગ્ય વિભાગ દ્વારા રોગચાળાના મૂળ કારણ સુધી પહોંચવા માટે પૂરતી તપાસ અને સર્વેલન્સ કરવામાં આવી રહ્યું છે કે નહીં, તે પણ ચર્ચાનો વિષય બન્યો છે. હાલ તો હોસ્પિટલોમાં દર્દીઓની ભીડ અને રોજની 700થી 800ની OPDએ ધોરાજી પંથકમાં વાયરલની સ્થિતિ કેટલી ગંભીર બની રહી છે તેની ચેતવણી આપી દીધી છે. હવે આરોગ્ય તંત્ર માત્ર સારવાર પૂરતું મર્યાદિત ન રહે, પરંતુ રોગચાળો વધુ વકરે તે પહેલાં રોકથામ અને કારણ શોધવા માટે આક્રમક પગલાં લે તે અત્યંત જરૂરી બન્યું છે.

સકલેન ગરાણા, ધોરાજી

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.

error: Content is protected !!