Skip to main content

Geo Gujarat News

આમોદ: દશામાના વ્રતને લઈ ભક્તિનો રંગ, બજારોમાં શ્રદ્ધાળુઓની ભીડ, પૂજા સામગ્રીની ખરીદીથી વેપારીઓમાં પણ ખુશીનો માહોલ..

ભરૂચ જિલ્લાના આમોદમાં અષાઢ વદ અમાસ એટલે કે દિવાસાના પર્વને લઈને ભક્તિમય માહોલ છવાયો છે. દશામાની સ્થાપના સાથે દશ દિવસીય વ્રતનો પ્રારંભ થવાનો હોવાથી શહેરના બજારોમાં વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓની અવરજવર વધી ગઈ હતી. દશામાના વ્રતને લઈને ખાસ કરીને મહિલાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.માતાજીની પ્રતિમા સાથે પૂજા માટે જરૂરી ચૂંદડી, બંગડી, નાડાછડી, નાગરવેલના પાન, શ્રીફળ, પૂજા સામગ્રી, શણગારની વસ્તુઓ તેમજ પ્રસાદ સહિતની ચીજવસ્તુઓની ખરીદી માટે લોકો મોટી સંખ્યામાં બજારમાં ઉમટ્યા હતા. બજારમાં એક તરફ દશામાની પ્રતિમાઓ અને શણગારની સામગ્રીથી દુકાનો સજાયેલી જોવા મળી હતી, તો બીજી તરફ ખરીદી માટે આવેલી મહિલાઓ અને શ્રદ્ધાળુઓના કારણે બજારમાં ભારે ચહલપહલ જોવા મળી હતી. પર્વની ખરીદીને કારણે મૂર્તિ, પૂજા સામગ્રી અને શણગારની વસ્તુઓના વેપારીઓના ધંધામાં પણ તેજી જોવા મળી રહી છે.દશ દિવસીય વ્રત દરમિયાન અનેક પરિવારોમાં ધાર્મિક વાતાવરણ જાળવવામાં આવે છે. શ્રદ્ધાળુઓ દ્વારા દશામાની નિયમિત પૂજા-અર્ચના, વાર્તાનું પઠન તેમજ પોતાની માન્યતા મુજબ વિવિધ ધાર્મિક નિયમોનું પાલન કરવામાં આવે છે. આમોદ શહેર ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ દશામાના વ્રતને લઈને ભક્તિનો માહોલ જોવા મળી રહ્યો છે. દશામાનું વ્રત વર્ષોથી અનેક પરિવારોની આસ્થા સાથે જોડાયેલું છે. ખાસ કરીને સામાન્ય અને શ્રમિક વર્ગના પરિવારોમાં આ વ્રત પ્રત્યે વિશેષ શ્રદ્ધા જોવા મળે છે. પેઢીઓથી ચાલી આવતી આ ધાર્મિક પરંપરાને જાળવી રાખવા પરિવારો દ્વારા દશામાની સ્થાપના કરી શ્રદ્ધાપૂર્વક વ્રત કરવામાં આવે છે. દશામાના પર્વની ખરીદી માટે બજારમાં ઉમટેલી ભીડે આમોદમાં ધાર્મિક આસ્થાની સાથે સ્થાનિક વેપારને પણ વેગ આપ્યો છે. એકંદરે દિવાસાના પર્વ પૂર્વે આમોદ શહેર જાણે ‘દશામાની ભક્તિના રંગે રંગાયું’ હોય તેવો માહોલ સર્જાયો છે.

Yasin Diwan
Author: Yasin Diwan

સમાચાર તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 9574469023

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.

error: Content is protected !!