આમોદના મલ્લા તળાવ પાસે સાંજના સુમારે ભરૂચથી જંબુસર તરફ જતી એક કાર અને આમોદથી ઘમણાદ તરફ જઈ રહેલા બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આમોદની ફન ઇન્ડિયા ડેરીમાં મજૂરી કામ કરી પોતાનું ગુજરાન ચલાવતા અને ઘમણાદ ગામે રહેતા શુભમસિંહ રાજ તથા તેમના પિતરાઈ બહેન દીપુબેન રાજ કામ પૂરું કરી પોતાની બાઇક પર ઘરે પરત ફરી રહ્યા હતા, તે દરમિયાન આ અકસ્માત નડ્યો હતો. ટક્કર એટલી જોરદાર હતી કે બાઇક પર સવાર બંને ભાઈ-બહેન ફંગોળાઈને નીચે પટકાયા હતા, જેના કારણે શુભમસિંહને આંખ અને માથાના ભાગે જ્યારે દીપુબેનને પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી.
અકસ્માતનો ભયંકર અવાજ સાંભળીને નજીકની શોપિંગ પર હાજર સંજયસિંહ રાજ સહિતના સ્થાનિક લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને માનવતા દાખવી ત્વરિત 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. ઈજાગ્રસ્તોને તાત્કાલિક આમોદ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબો દ્વારા પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી.જોકે,બંનેની તબીબી સ્થિતિ જાણતા વધુ સારવાર માટે તેમને વડોદરાની સયાજી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે. આ ગંભીર અકસ્માત અંગે આમોદ પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.
Author: Yasin Diwan
સમાચાર તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 9574469023