Skip to main content

Geo Gujarat News

અંકલેશ્વર: જૂના નેશનલ હાઇવે પર કોમ્પ્લેક્સની દુકાનની છત ધરાશાયી, મોટો અકસ્માત ટળ્યો, જર્જરિત ઇમારતો સામે તંત્ર લાલ આંખ કરે તેવી માંગ..

અંકલેશ્વરમાં જૂના નેશનલ હાઇવે પર આવેલા એક કોમ્પ્લેક્સમાં અચાનક દુકાનની જર્જરિત છત ધડાકાભેર ધરાશાયી થતાં સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરી અને ફફડાટ વ્યાપી ગયો હતો. બિલ્ડિંગનો સ્લેબ તૂટી પડતાં જ રોડ અને દુકાનની બહાર મસમોટો કાટમાળ ફેલાઈ ગયો હતો.સુભાગ્યે, આ ઘટના બની તે સમયે દુકાન તેમજ આસપાસના વિસ્તારમાં કોઈ વ્યક્તિ હાજર ન હોવાથી મોટી જાનહાનિ ટળી હતી. દુર્ઘટનાની જાણ થતાં જ સ્થાનિકો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા અને જેસીબી (JCB) મશીન બોલાવીને રસ્તા પર પથરાયેલો કાટમાળ હટાવવાની કામગીરી હાથ ધરી હતી. ભવિષ્યમાં વધુ કોઈ અણબનાવ ન બને તે હેતુથી જેસીબીની મદદથી દુકાનના અન્ય જોખમી અને લટકતા ભાગને પણ ત્વરિત ધોરણે તોડી પાડવામાં આવ્યો હતો.ચોમાસાની વર્તમાન ઋતુમાં અંકલેશ્વર શહેર અને હાઇવે પર આવેલી વર્ષો જૂની તથા અત્યંત જર્જરિત ઇમારતો ગંભીર ભયસ્થાન સાબિત થઈ રહી છે. વારંવાર રજૂઆતો કરવા છતાં વહીવટી તંત્ર દ્વારા આવી ભયજનક ઇમારતો પ્રત્યે દાખવવામાં આવતી ઉદાસીનતા સામે સ્થાનિક નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકો માંગ કરી રહ્યા છે કે કોઈ નિર્દોષ નાગરિક આ જર્જરિત સ્લેબ કે ભીંતો નીચે દબાઈને કાળનો કોળિયો બને તે પહેલાં નગરપાલિકા અને સંબંધિત તંત્ર ઊંઘમાંથી જાગે. સમગ્ર અંકલેશ્વર ક્ષેત્રમાં આવેલી આવી તમામ ભયાનક જર્જરિત ઇમારતોનું તાત્કાલિક સર્વે અને નિરીક્ષણ કરી, જોખમી બાંધકામો સામે કડક કાયદેસરની નોટિસો પાઠવી તેને તોડી પાડવાની આકરી કાર્યવાહી હાથ ધરવામાં આવે.

 

 

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.

error: Content is protected !!