Skip to main content

Geo Gujarat News

વાગરા: માનવ અધિકાર આયોગનો કડક સકંજો, અલ્કેમી ફાઈનકેમ કેસમાં તંત્રને આયોગની ઝાટકણી, કલેક્ટર-એસપી સાથે સ્પેશિયલ કમિટીની ભલામણ!

છ મહિના બાદ પણ કાર્યવાહી કેમ નહીં? આયોગનો તંત્રને સવાલ, કલેક્ટર જોડાયા બાદ મિસ કોમ્યુનિકેશન ગેપનો સ્વીકાર: વાગરાની સાયખા GIDC સ્થિત અલ્કેમી ફાઈનકેમ પ્રાઈવેટ લિમિટેડ કંપનીમાં થયેલા ગંભીર અકસ્માતો, શ્રમિકોના મોત અને ત્યારબાદ પોલીસ તથા વહીવટી તંત્રની કામગીરી સામે ઉઠેલા સવાલો હવે ગુજરાત રાજ્ય માનવ અધિકાર આયોગ સુધી પહોંચ્યા છે. તા. 11/08/2026ના રોજ યોજાયેલી ઓનલાઈન સુનાવણી દરમિયાન આયોગે સમગ્ર મામલે કડક વલણ અપનાવતા જવાબદાર તંત્ર પાસેથી થયેલી કાર્યવાહીનો હિસાબ માંગ્યો હોવાનું સામે આવ્યું છે. અરજદાર ઈમ્તિયાઝ પટેલની રજૂઆત મુજબ, માનવ અધિકાર આયોગના અગાઉના નિર્દેશો બાદ પણ લાંબો સમય વીતી ગયો હોવા છતાં અરજદારની રજૂઆત અને ફરિયાદ અંગે પૂરતી કાર્યવાહી કેમ કરવામાં આવી નથી, તે મુદ્દે આયોગે કલેક્ટર કચેરીના સંબંધિત અધિકારીઓને સવાલોના ઘેરામાં લીધા હતા. મામલો ગંભીર બનતા આયોગના અધિકારી ઠાકર સાહેબ દ્વારા ભરૂચ જિલ્લા કલેક્ટરને સુનાવણીમાં હાજર રહેવા કડક સૂચના આપવામાં આવી હોવાનું અરજદારે જણાવ્યું છે. ઓનલાઈન સુનાવણી દરમિયાન ભરૂચ જિલ્લા કલેક્ટર પણ વીડિયો કોન્ફરન્સ મારફતે જોડાયા હતા. અરજદારના જણાવ્યા મુજબ, કલેક્ટરે રજૂઆત દરમિયાન અરજદાર સાથે મિસ કોમ્યુનિકેશનની ગેપ રહી હોવાનું જણાવ્યું હતું અને આગામી દિવસોમાં તેમાં સુધારો કરી અરજદારને સાંભળ્યા બાદ જરૂરી કાર્યવાહી કરવામાં આવશે તેવી વાત કરી હતી.DISHના અહેવાલનો આધાર લઈ FIRની માંગ વધુ આક્રમક બની, એક જ કંપનીમાં વારંવાર અકસ્માત છતાં જવાબદારી કોની?અરજદાર ઈમ્તિયાઝ પટેલે આયોગ સમક્ષ રજૂઆત કરતાં જણાવ્યું હતું કે DISH ભરૂચ કચેરીના તા. 21/05/2026ના અહેવાલમાં અલ્કેમી ફાઈનકેમ કંપનીમાં થયેલા બનાવો અંગે ક્રિમિનલ કેસ કોર્ટમાં દાખલ કરવામાં આવ્યા હોવાનું દર્શાવવામાં આવ્યું છે. અરજદારનો સવાલ છે કે જો સરકારી ટેકનિકલ વિભાગની તપાસમાં કાયદાકીય ભંગ સામે આવ્યો હોય તો પોલીસ વિભાગ દ્વારા કંપનીના જવાબદાર લોકો સામે BNS હેઠળ આજદિન સુધી FIR કેમ નોંધવામાં આવી નથી? અરજદારના આક્ષેપ મુજબ, ડિસેમ્બર 2025 અને જાન્યુઆરી 2026 દરમિયાન ટૂંકા ગાળામાં એક જ કંપનીમાં ગંભીર અકસ્માતોના બનાવો બન્યા અને ત્રણ વ્યક્તિઓના મોત થયા હોવા છતાં કંપની સામે કડક પ્રતિબંધાત્મક કાર્યવાહી કેમ ન થઈ, તે મોટો સવાલ છે. અરજદારે દાવો કર્યો છે કે આવી પરિસ્થિતિમાં પણ કંપનીનું સંચાલન ચાલુ રહેવું કામદારો અને આસપાસના રહેવાસીઓની સુરક્ષા અંગે ગંભીર પ્રશ્નો ઊભા કરે છે. સિક્યુરિટી ગાર્ડના મોત અંગે પણ તપાસની માંગ, GPCB સામે પણ અરજદારના ગંભીર આક્ષેપો: અરજદાર દ્વારા સિક્યુરિટી ગાર્ડ અભિરાજ સાકેતના મોત અંગે પણ ગંભીર સવાલો ઉઠાવવામાં આવ્યા છે. તેમના જણાવ્યા મુજબ, DISHના અહેવાલમાં મોતનું કારણ ફેફસાંની બીમારી દર્શાવવામાં આવ્યું છે, જ્યારે બનાવના સમય અને પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સમગ્ર મેડિકલ રેકોર્ડ તથા પોસ્ટમોર્ટમ રિપોર્ટની નિષ્પક્ષ પુનઃસમીક્ષા થવી જોઈએ. અરજદારે આ મુદ્દે નિષ્ણાત તબીબોની મેડિકલ બોર્ડ દ્વારા રિ-રિવ્યૂ કરવાની માંગ કરી છે. આ આક્ષેપોની સત્તાવાર તપાસ બાદ જ હકીકત સ્પષ્ટ થઈ શકે તેમ છે. સુનાવણી દરમિયાન અરજદાર ઈમ્તિયાઝ પટેલે GPCB વિભાગની કામગીરી સામે પણ આકરા સવાલો ઉઠાવ્યા હતા. તેમણે ગુજરાત હાઈકોર્ટના વિવિધ હવાલાઓનો ઉલ્લેખ કરતાં પર્યાવરણ સંબંધિત નિયમોના અમલમાં કથિત બેદરકારી અંગે રજૂઆત કરી હતી. જોકે, આ અંગેના ચોક્કસ આક્ષેપો અને જવાબદારી અંગે સત્તાવાર તંત્રનો પક્ષ પણ મહત્વનો રહેશે.SP સાથે સ્પેશિયલ કમિટી બનાવવાની ભલામણ, FIRથી લઈને CCTV અને મેડિકલ રિવ્યૂ સુધીની માંગ: આ સમગ્ર મામલાની હકીકત બહાર લાવવા માટે અરજદારને સાંભળ્યા બાદ ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક (SP) સાથે સંકલન કરીને સ્પેશિયલ કમિટી રચી સમગ્ર કાર્યવાહી પારદર્શક રીતે હાથ ધરવા અંગે ભલામણ કરવામાં આવી હોવાનું અરજદાર તરફથી જણાવાયું છે. આ કમિટી દ્વારા કંપની, પોલીસ કાર્યવાહી, DISH તપાસ અને ઉપલબ્ધ દસ્તાવેજોના આધારે સમગ્ર મામલાની હકીકત તપાસવામાં આવે તેવી અપેક્ષા છે. અરજદાર દ્વારા આયોગ સમક્ષ કંપનીના માલિકો, ડિરેક્ટરો અને જવાબદાર અધિકારીઓ સામે BNS હેઠળ કાયદેસરની કાર્યવાહી, સંબંધિત પોલીસ અધિકારીઓની ખાતાકીય તપાસ, કંપનીની સેફ્ટી વ્યવસ્થાની તટસ્થ તપાસ, CCTV ફૂટેજ, હાજરી પત્રક અને મેન્ટેનન્સ લોગબુક જેવા પુરાવાઓ સુરક્ષિત કરવા તેમજ મૃતક સિક્યુરિટી ગાર્ડના પોસ્ટમોર્ટમ રિપોર્ટની નિષ્ણાત મેડિકલ બોર્ડ મારફતે પુનઃસમીક્ષા કરવાની માંગ કરવામાં આવી છે.હવે જનહિત માટે હાઈકોર્ટ સુધી જઈશું : ઈમ્તિયાઝ પટેલ: સુનાવણી બાદ અરજદાર ઈમ્તિયાઝ પટેલે જણાવ્યું હતું કે, જવાબદાર ઉદ્યોગો અને ઉદ્યોગકારો સામે આગામી દિવસોમાં પણ કાયદાકીય લડત ચાલુ રાખવામાં આવશે. જો તંત્ર દ્વારા યોગ્ય ફોજદારી કાર્યવાહી નહીં કરવામાં આવે તો જાગૃત આગેવાનો અને સામાજિક સંસ્થાઓ સાથે મળીને ગુજરાત હાઈકોર્ટમાં રિટ પિટિશન દાખલ કરવાની તૈયારી હોવાનું તેમણે જણાવ્યું છે. હવે સૌથી મોટો સવાલ એ છે કે માનવ અધિકાર આયોગના કડક વલણ બાદ ભરૂચનું પોલીસ-વહીવટી તંત્ર ખરેખર કેટલી ઝડપથી કાર્યવાહી કરે છે? અલ્કેમી ફાઈનકેમના અકસ્માતો અંગે જવાબદારી નક્કી થશે કે ફરી કાગળોની કાર્યવાહી પૂરતી જ રહેશે? કંપનીની સુરક્ષા વ્યવસ્થા અંગે કડક પગલાં લેવાશે કે નહીં? અને સૌથી મહત્વનું એ કે મૃતકોના પરિવારજનો તથા અરજદારને ન્યાય ક્યારે મળશે? આ તમામ સવાલોના જવાબ હવે આગામી કાર્યવાહી બાદ જ સ્પષ્ટ થશે.

Naeem Diwan
Author: Naeem Diwan

Owner Of Geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.

error: Content is protected !!