Skip to main content

Geo Gujarat News

આમોદના પુરસામાં ‘હળપતિ આવાસ યોજના’ હેઠળ ખુશીનો નવો સૂર્યોદય: ₹૩૦.૬૦ લાખના ખર્ચે ૧૮ પરિવારના પાકા ઘરના સ્વપ્ન સાકાર, ધારાસભ્ય પૂજ્ય દેવ કિશોર સ્વામીની સાદગી અને જનસંવાદે જીત્યા ગ્રામજનોના દિલ!

આમોદ તાલુકાના પુરસા ગામના નવીનગરી વિસ્તારમાં ‘હળપતિ આવાસ યોજના’ અંતર્ગત ઘરવિહોણા અને કાચા મકાનમાં રહેતા ગરીબ પરિવારો માટે ખુશીનો નવો સૂર્યોદય થયો છે. સ્થાનિક જંબુસર-આમોદ વિધાનસભાના ધારાસભ્ય પૂજ્ય દેવ કિશોર સ્વામીના વરદ હસ્તે અને સ્થાનિક હોદ્દેદારોની સૌહાર્દપૂર્ણ ઉપસ્થિતિમાં કુલ ૧૮ જેટલા પાકાં આવાસોનું વૈદિક પરંપરા મુજબ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. રાજ્ય સરકારના આદિજાતિ વિકાસ વિભાગ હેઠળ કુલ ₹૩૦.૬૦ લાખના ખર્ચે ૧૮ જેટલા જરૂરિયાતમંદ પરિવારોના આવાસોને મંજૂરી આપવામાં આવી હતી. આ પ્રસંગે લાભાર્થી પરિવારોના ભાવિ ઘરના સ્થળે પૂજન-અર્ચન તથા નાળિયેર વધેરીને પાયો રોપવામાં આવ્યો હતો. આ પ્રસંગે ધારાસભ્યશ્રીએ મુખ્યમંત્રી અને સંબંધિત વિભાગનો આભાર વ્યક્ત કરતા સ્પષ્ટ કર્યું હતું કે, કોઈ પણ વંચિત પરિવાર છત વિનાનો ન રહે તે સરકારની પ્રાથમિકતા છે અને બાકી રહી ગયેલા પાત્રતા ધરાવતા અરજદારોને પણ આગામી સમયમાં આ યોજના હેઠળ આવરી લેવામાં આવશે.ગુજરાત ભાજપ પ્રદેશ અગ્રણી જગદીશભાઈ વિશ્વકર્માના જન્મદિવસ નિમિત્તે યોજાયેલા આ વિશિષ્ટ કાર્યક્રમમાં ધારાસભ્યનો પ્રજા પ્રત્યેનો આત્મીય વ્યવહાર અને અનોખી સાદગી સમગ્ર આમોદ પંથકમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. પ્રોટોકોલ અને પોતાના માટે મુકાયેલી ખુરશીનો ત્યાગ કરીને ધારાસભ્યશ્રી સામાન્ય નાગરિકો સાથે મકાનના ઓટલે અને ખાટલે બેસી જનતાની સુખ-દુઃખની વાતો સાંભળતા તથા સીધો સંવાદ સાધતા નજરે પડ્યા હતા. આ સાથે જ પ્રદેશ અગ્રણીના જન્મદિનની ઉજવણીના ભાગરૂપે તેમણે ગામના નાના-નાના બાળકોને મીઠાઈ, બિસ્કિટ અને ભેટ-સોગાદો વહેંચીને સમગ્ર પુરસા ગામમાં ઉત્સાહનો માહોલ સર્જ્યો હતો. આ ખાતમુહૂર્ત પ્રસંગે આમોદ તાલુકા ભાજપ પ્રમુખ, સ્થાનિક અગ્રણીઓ, ગ્રામ પંચાયતના સરપંચ, તાલુકા પંચાયત પ્રમુખ, સંગઠનના મહામંત્રીઓ તેમજ ભાજપના કાર્યકર્તાઓ અને મોટી સંખ્યામાં હળપતિ પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.

Yasin Diwan
Author: Yasin Diwan

સમાચાર તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 9574469023

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.

error: Content is protected !!