આમોદ તાલુકાના રોઝાટંકારીયા ગામ પાસે ગત સવારના સુમારે એક કન્ટેનર ટ્રક ચાલકે બાઈક ચાલકને અડફેટે લેતા અંભેટા ગામના ૪૨ વર્ષીય યુવકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર, વાગરા તાલુકાના અંભેટા ગામના રહેવાસી વિજયભાઈ લક્ષ્મણભાઈ પરમાર ગેસનું કે.વાય.સી. (KYC) કરાવવા માટે બાઈક લઈને આમોદ તરફ આવી રહ્યા હતા.
તે દરમિયાન રોઝાટંકારીયા ગામના વળાંક પાસે પૂરપાટ ઝડપે અને ગફલતભરી રીતે આવી રહેલા ટ્રક ચાલકે તેમને ટક્કર મારી હતી. અકસ્માત એટલો ભીષણ હતો કે બાઈક ચાલક વિજયભાઈને ગંભીર ઈજાઓ થવાથી તેમનું સ્થળ પર જ મોત થયું હતું, જ્યારે અકસ્માત સર્જીને ટ્રક ચાલક વાહન મૂકીને ફરાર થઈ ગયો હતો.
આ બનાવની જાણ થતાં જ આસપાસના લોકો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે ભેગા થઈ ગયા હતા અને તુરંત જ આમોદ પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહનો કબજો મેળવી વધુ તપાસ અર્થે આમોદના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો અને નાસી છૂટેલા ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેને ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.
મૃતક યુવક દહેજની એક ખાનગી કંપનીમાં કરાર આધારિત નોકરી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હતો. અચાનક બનેલી આ દુર્ઘટનાને કારણે યુવકની પાછળ પત્ની અને બે માસૂમ દીકરીઓ નિરાધાર બન્યા છે, જેના લીધે અંભેટા ગામમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે.
Author: Yasin Diwan
સમાચાર તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 9574469023