આમોદ: શહેર સ્થિત બચ્ચો કા ઘર શાળા ખાતે ૮૦મા સ્વાતંત્ર્ય દિવસની ભવ્ય ઉજવણી ઉત્સાહ, ઉમંગ અને રાષ્ટ્રભક્તિના માહોલ વચ્ચે કરવામાં આવી હતી. સમગ્ર શાળા પરિસર ત્રિરંગાના રંગે રંગાયું હતું અને દેશભક્તિના નારાઓ તથા ગીતોથી વાતાવરણમાં રાષ્ટ્રપ્રેમની લાગણી છવાઈ ગઈ હતી. સંસ્થાના મોહતમિમ તથા ટ્રસ્ટી બસીર રાણાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ત્રિરંગાને સલામી આપી સૌએ ગૌરવભેર રાષ્ટ્રગાન ગાયું હતું. આ પ્રસંગે મોલાના યુસુફ નાથા, મોલાના અયુબ સાહેબ સહિત ટ્રસ્ટી મંડળના સભ્યો, વાલીઓ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમનું સૌથી આકર્ષક કેન્દ્ર શાળાના નાના ભૂલકાઓની મનમોહક રજૂઆતો રહી હતી. બાળકોએ દેશભક્તિ ગીતો, પ્રેરણાદાયી ભાષણો તેમજ સુંદર સાંસ્કૃતિક નૃત્યો રજૂ કરીને ઉપસ્થિત સૌના દિલ જીતી લીધા હતા. નાનકડા બાળકોની દેશપ્રેમથી ઓતપ્રોત રજૂઆતને ઉપસ્થિતોએ તાળીઓના ગડગડાટથી વધાવી હતી.
આ પ્રસંગે ટ્રસ્ટી બસીર રાણાએ પોતાના ઉદ્બોધનમાં સ્વાતંત્ર્યના મહત્ત્વ સાથે રાષ્ટ્ર પ્રત્યેની નાગરિક જવાબદારીઓ અંગે બાળકોને પ્રેરણાદાયી માર્ગદર્શન આપ્યું હતું. તેમણે દેશની એકતા, અખંડિતતા અને વિકાસ માટે જવાબદાર નાગરિક બનવાનો સંદેશ આપ્યો હતો.
અંતે ઉપસ્થિત સૌનું મોં મીઠું કરાવી હર્ષોલ્લાસ અને આત્મીયતાભર્યા માહોલમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી સંપન્ન કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમમાં દેશ પ્રથમની ભાવના સાથે બાળકોમાં રાષ્ટ્રપ્રેમના સંસ્કારોનું સિંચન કરતો અનોખો માહોલ જોવા મળ્યો હતો.
Author: Yasin Diwan
સમાચાર તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 9574469023