વાગરા તાલુકાના વસ્તી ખંડાલી ગામની પ્રાથમિક શાળામાં ૮૦મા સ્વતંત્રતા દિવસની દેશભક્તિ અને રાષ્ટ્રપ્રેમના માહોલમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. વહેલી સવારથી જ શાળા પરિસરમાં તિરંગા અને દેશભક્તિના માહોલ વચ્ચે વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષકો તથા ગ્રામજનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. શાળાના પટાંગણમાં સવારે ૮:૦૦ કલાકે ગામના મહિલા સરપંચશ્રીના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવી ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. તિરંગો લહેરાતાં ઉપસ્થિત સૌએ ગૌરવભેર રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી. ત્યારબાદ સૌએ સાથે મળીને રાષ્ટ્રગાન તથા રાષ્ટ્રીય શાયરનું ગાન કરી દેશ પ્રત્યેની પોતાની લાગણી અને રાષ્ટ્રભક્તિ વ્યક્ત કરી હતી. સ્વતંત્રતા દિવસની ઉજવણી નિમિત્તે કેપી ગ્રુપ દ્વારા ધોરણ ૧થી ૮માં પ્રથમ ક્રમે ઉત્તીર્ણ થયેલા તેજસ્વી વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓને ઈનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓના ઉત્સાહને બિરદાવતી આ પહેલથી બાળકોમાં અભ્યાસ પ્રત્યે વધુ મહેનત અને આગળ વધવાની પ્રેરણા મળી હતી.
કાર્યક્રમ દરમિયાન શાળાના શિક્ષકોએ વિદ્યાર્થીઓને દેશના સ્વતંત્રતા સંગ્રામનો ઈતિહાસ સમજાવ્યો હતો. સ્વાતંત્ર્ય મેળવવા માટે દેશના અનેક સ્વાતંત્ર્ય સેનાનીઓ અને વીર શહીદોએ આપેલા અમૂલ્ય બલિદાન વિશે બાળકોને માહિતગાર કરવામાં આવ્યા હતા. શિક્ષકોએ વિદ્યાર્થીઓને દેશની એકતા, અખંડિતતા અને રાષ્ટ્રપ્રેમનું મહત્વ સમજાવી જવાબદાર નાગરિક બનવા માટે પ્રેરણા આપી હતી. આ પ્રસંગે ગામના સરપંચશ્રી, એસ.એમ.સી. સભ્યો, વાલીગણ, શાળાના શિક્ષકગણ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. સૌની ઉપસ્થિતિથી સ્વતંત્રતા દિવસની ઉજવણી વધુ ઉત્સાહભરી અને યાદગાર બની હતી. અંતે શાળાના તમામ બાળકોને મીઠાઈનું વિતરણ કરવામાં આવ્યું હતું. દેશભક્તિ, વિદ્યાર્થીઓના સન્માન અને ગ્રામજનોની ઉત્સાહભરી હાજરી સાથે વસ્તી ખંડાલી ગામની પ્રાથમિક શાળામાં યોજાયેલ ૮૦મા સ્વતંત્રતા દિવસનો કાર્યક્રમ આનંદ અને ગૌરવભેર સંપન્ન થયો હતો.

Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com