Skip to main content

Geo Gujarat News

વાગરા: વાંટા મિશ્રશાળામાં તિરંગાની આન-બાન-શાન સાથે સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી, શાનથી લહેરાયો તિરંગો..

વાગરા: સમગ્ર દેશમાં ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની દેશભક્તિ અને રાષ્ટ્રભાવનાથી ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના વાંટા મિશ્રશાળા ખાતે પણ સ્વાતંત્ર્ય દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. શાળા પરિસરમાં ધ્વજવંદન સહિત વિવિધ દેશભક્તિપૂર્ણ અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત શાળાના પ્રિન્સિપાલ શ્રીમતી મહેમુદાબેન સત્તારભાઈ શેખ તથા મુખ્ય મહેમાન શ્રીમતી મુસ્કાનબાનું રાજના વરદ્ હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવીને કરવામાં આવી હતી. ત્રિરંગાને સલામી આપ્યા બાદ ઉપસ્થિત સૌએ રાષ્ટ્રગાન ગાઈને દેશ પ્રત્યેની પોતાની લાગણી વ્યક્ત કરી હતી. આ પ્રસંગે દેશના સ્વાતંત્ર્ય સેનાનીઓ અને શહીદોને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીને યાદગાર બનાવવા શાળાના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક દેશભક્તિના ગીતો, વક્તવ્યો તથા વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી.વિદ્યાર્થીઓની મનમોહક રજૂઆતોને ઉપસ્થિત મહેમાનો, વાલીઓ, શિક્ષકો અને ગ્રામજનોએ તાળીઓના ગડગડાટથી વધાવી હતી. સમગ્ર શાળા પરિસર અને દેશભક્તિના નાદથી ગુંજી ઉઠ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા શાળાના સ્ટાફ સભ્યો નિમિષાબેન પ્રવિણભાઈ ધામેચા, જ્યોતિકાબેન ભૂપતસિંહ સિંધા, સુધાબેન સુરેશભાઈ હળપતિ, ઉષાબેન ગોસ્વામી અને સાઈમા સહિત સમગ્ર શાળા પરિવાર દ્વારા સુંદર આયોજન અને વ્યવસ્થા કરવામાં આવી હતી. ઉપરાંત મિશ્રશાળાના એસએમસી અધ્યક્ષ-ઉપાધ્યક્ષ સોલંકી અનીષાબાનુ સરફરાજભાઈ તથા ગ્રામજનોએ પણ કાર્યક્રમમાં સહયોગ આપ્યો હતો. અંતે ઉપસ્થિત સૌએ દેશની એકતા, અખંડિતતા અને રાષ્ટ્રની પ્રગતિ માટે સતત યોગદાન આપવાનો સંકલ્પ કર્યો હતો. આ સાથે એકબીજાને ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી. વાંટા મિશ્રશાળામાં યોજાયેલ આ ઉજવણીથી સમગ્ર વાતાવરણ દેશપ્રેમ અને રાષ્ટ્રભાવનાથી રંગાઈ ગયું હતું.

 

Naeem Diwan
Author: Naeem Diwan

Owner Of Geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.

error: Content is protected !!