Skip to main content

Geo Gujarat News

વાગરા: ૩૦.૮૫ લાખની ઘરફોડ ચોરીનો આંતરરાજ્ય હિસ્ટ્રીશીટર પોલીસની ઝપટે!  ૭થી વધુ પોલીસ સ્ટેશનોમાં વોન્ટેડ કુખ્યાત ચોર શિવરાજને વાગરા પોલીસે જેલ ભેગો કર્યો!

સોના-ચાંદીના કિંમતી દાગીના અને રોકડ રકમ મળી કુલ ૩૦,૮૫,૦૦૦/- ની મસમોટી રકમની સનસનાટીભરી ઘરફોડ ચોરી આચરીને છેલ્લા એક વર્ષથી પોલીસને હંફાવતો અને નાસતો ફરતો કુખ્યાત આરોપી આખરે વાગરા પોલીસના સંકંજામાં આવી ગયો છે. વડોદરા વિભાગના પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ તથા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષય રાજ મકવાણાની કડક સૂચનાઓ અને માર્ગદર્શન હેઠળ, નાયબ પોલીસ અધિક્ષક ડો. અનિલ સિસારા (દહેજ વિભાગ) અને વાગરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એન. ગોહિલની આગેવાની હેઠળની વિશેષ ટીમે હ્યુમન સોર્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે આ સફળ કામગીરી પાર પાડી છે. પકડાયેલ આરોપી સેવરાજ ઉર્ફે શિવરાજ ધારકા પલાસ (રહેવાસી: આમલી ખજુરીયા ગામ, તા. ગરબાડા, જી. દાહોદ) સામે વાગરા પોલીસ સ્ટેશનમાં BNS ૨૦૨૩ ની ગંભીર કલમો ૩૦૫(A), ૩૩૧(૪), ૬૧ તથા ૧૧૨ હેઠળ ગુનો નોંધાયેલો હતો.વાગરા પોલીસના અ.હે.કો વિપુલભાઈ મનુભાઈ, ભોપાભાઈ ગફુરભાઈ અને પો.કો. પ્રકાશકુમાર ગોવર્ધનભાઈની ટીમે ચોક્કસ બાતમી અને તકનીકી મદદથી આ રીઢા ચોર આરોપીને આંતરીને ઝડપી લીધો હતો. ઉલ્લેખનીય છે કે ઝડપાયેલો આરોપી સેવરાજ કોઈ સામાન્ય ગુનેગાર નથી પરંતુ ગુજરાત અને મધ્યપ્રદેશના વિવિધ જીલ્લાઓમાં ઘરફોડ ચોરીઓ આચરતો અતિ કુખ્યાત અને લિસ્ટેડ આરોપી છે. તેના ગુનાહિત ઇતિહાસ પર નજર કરીએ તો છોટાઉદેપુરના સંખેડા પોલીસ સ્ટેશનમાં ત્રણ (૩) ગુનાઓ, મહેસાણાના બાવલુ અને કડી પોલીસ સ્ટેશનમાં, આણંદના ચકલાસી પોલીસ સ્ટેશનમાં, બોટાદ શહેરમાં તથા મધ્યપ્રદેશ રાજ્યના કુક્ષી પોલીસ સ્ટેશનમાં પણ તેની સામે ઘરફોડ ચોરી અને આંતરરાજ્ય ગુનાહિત સિન્ડિકેટના ગંભીર કેસો નોંધાયેલા છે. વાગરા પોલીસે આ રીઢા ગુનેગારની અટકાયત કરી કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરી છે, જેનાથી ગુનાખોરી આચરતા તત્વોમાં ભારે ફાળ પડી છે.

Naeem Diwan
Author: Naeem Diwan

Owner Of Geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.

error: Content is protected !!