Skip to main content

Geo Gujarat News

નેત્રંગ પોલીસનું ફિલ્મી રાત્રિ ઓપરેશન, કર્ણાટકના જ્વેલરી શોપમાં ચોરી કરી ભાગેલી આંતરરાજ્ય ગેંગની કારનો પીછો કરી ઘેરાબંધી; ડ્રોનથી કોમ્બિંગ કરી 3 શખ્સો ઝબ્બે, ૯.૭૨ લાખનો મુદ્દામાલ જપ્ત!

૧૫મી ઓગસ્ટના સ્વાતંત્ર્ય પર્વની કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે નેત્રંગ પોલીસે આંતરરાજ્ય ચોર ગેંગનો પર્દાફાશ કરીને સપાટો બોલાવ્યો છે. ડેડિયાપાડા તરફથી આવતી શંકાસ્પદ સફેદ કારના ચાલકે વાહન ચેકિંગ દરમિયાન પોલીસને જોઈ ગાડી ભગાવતાં, પી.આઈ. વી.એસ. વણઝારા અને તેમની ટીમે તાત્કાલિક ફિલ્મી ઢબે કારનો પીછો કર્યો હતો અને આગળના વાહનોની મદદથી રસ્તો બ્લોક કરી કારને આંતરી લીધી હતી.ગાડી અટકતાં જ તેમાં સવાર ચાર શખ્સો અંધારાનો લાભ લઈ જંગલ તરફ ભાગ્યા હતા. પોલીસે સ્થળ પરથી ડ્રાઇવરને દબોચી લીધો હતો અને ત્યારબાદ જંગલ, કરજણ નદીના પટ તથા થવા, મંડાળા, સેજપુર સહિતના વિસ્તારોમાં ડ્રોન કેમેરાની મદદથી આખી રાત સઘન કોમ્બિંગ હાથ ધરી વધુ બે આરોપીઓને ઝડપી પાડ્યા હતા.ઝડપાયેલા આરોપીઓમાં રાજસ્થાનનો રીઢો ગુનેગાર દિલીપસિંહ દેવીસિંહ રાવત, નારસિંઘ ઉર્ફે પવન રાવત અને મધ્યપ્રદેશનો અર્જુનસિંહ શિવસિંહ રાઠોડ સામેલ છે. પોલીસને કારમાં રહેલી બે સ્કૂલ બેગમાંથી ચાંદીના ઘરેણાં, મૂર્તિઓ અને પૂજાની સાધન-સામગ્રી મળી આવી હતી. સઘન પૂછપરછમાં આરોપીઓએ કબૂલાત કરી હતી કે ૧૩ ઓગસ્ટની રાત્રે તેઓએ કર્ણાટકના બેલાગવી જિલ્લાના કિટ્ટુર ખાતે આવેલી જ્વેલરી શોપમાંથી આ ચોરી આચરી હતી અને ગુજરાત તરફ નાસી રહ્યા હતા. પોલીસે ૪.૩૭ લાખનો ચોરાઉ મુદ્દામાલ, ₹૫ લાખની કાર અને ૪ મોબાઈલ મળી કુલ ૯.૭૨ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. તપાસમાં બહાર આવ્યું છે કે મુખ્ય આરોપી દિલીપસિંહ રાવત ચિત્તોડગઢ જેલમાંથી પેરોલ જમ્પ કરીને ભાગેલો લિસ્ટેડ ગુનેગાર છે. પોલીસે ફરાર લોકેશ બયલ અને રામસા ગુજ્જરને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

 

 

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.

error: Content is protected !!