ભરૂચ પોલીસે ગુનાખોરી અને અસામાજિક પ્રવૃત્તિઓ આચરતા શાતિર ગુનેગારો સામે કડક ઝુંબેશ ચલાવીને મોટો સપાટો બોલાવ્યો છે. જી.આઈ.ડી.સી. (GIDC) ગેટ નજીક એકાઉન્ટન્ટ ધવલ ભટ્ટ આંગણીયા પેઢીમાંથી ૧૦ લાખની રોકડ રકમ લઈને કારમાં જઈ રહ્યા હતા, ત્યારે બાઈક પર આવેલા ત્રણ ઈસમોએ અકસ્માતનું બહાનું કાઢી માથાકૂટ કરી હતી અને નજર ચૂકવીને ૧૦ લાખ ભરેલી બેગની સનસનાટીભરી લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. આ સનસનાટીભર્યા લૂંટ કેસમાં અગાઉ ત્રણ આરોપીઓની ધરપકડ કર્યા બાદ, પોલીસે સઘન તલાશી હાથ ધરીને લૂંટના આ ગુનામાં સંડોવાયેલા વધુ એક આરોપી સિદ્ધપુરના સૌરભ ધવડને દબોચી લઈ કાયદાનું ભાન કરાવ્યું છે.
બીજી તરફ, વર્ષ ૨૦૨૦થી ચકચાર જગાવનાર નકલી ગન લાયસન્સ કૌભાંડમાં ભરૂચ એસ.ઓ.જી. (SOG) ને અતિ મહત્વની સફળતા સાંપડી છે. ઓગસ્ટ ૨૦૨૦માં ભડકોદ્રા ખાતેથી બાર બોરની બંદૂક અને કલેક્ટરના બોગસ સિક્કાવાળા નકલી લાયસન્સ આધારે સિક્યુરિટી એજન્સીમાં ગનમેન તરીકે નોકરી કરતા ધર્મેન્દ્રસિંઘ રાઠોડની ધરપકડ કરવામાં આવી હતી.
આ આખા કૌભાંડનો મુખ્ય સૂત્રધાર બારડોલી રોડ વિસ્તારનો નિવાસી ત્રિભુવનસિંઘ ઉર્ફે બીજેન્દ્રસિંઘ ચૌહાણ લાંબા સમયથી પોલીસને ચકમો આપી નાસતો ફરતો હતો. ભરૂચ SOG ની ટીમે ટેક્નિકલ સર્વેલન્સ અને સચોટ બાતમીના આધારે આ મુખ્ય સૂત્રધારને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે, જેનાથી નકલી પરવાના કૌભાંડ આચરતી ગેંગમાં ફાળ પડી છે.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com