ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસે અસામાજિક પ્રવૃત્તિઓ અને મિલકત સંબંધી ગુનાઓ આચરતા તત્વો સામે લાલ આંખ કરી કડક ઝુંબેશ આદરી છે. પી.આઈ. એન.આર. ચૌધરીના સીધા માર્ગદર્શન હેઠળ પોલીસે છેલ્લા ૨૪થી ૪૮ કલાકમાં બે અલગ-અલગ સફળ કારવાઈ પાર પાડીને અસામાજિક તત્વોમાં ભારે ફાળ પાડી દીધી છે. પ્રથમ કાર્યવાહીમાં સર્વેલન્સ સ્ટાફને મળેલી ચોક્કસ બાતમીના આધારે મકતમપુરના ટેકરા ફળિયા પાછળ લીમડાના ઝાડ નીચે ચાલતા જુગારધામ પર પોલીસે ત્રાટકીને દરોડો પાડ્યો હતો. જ્યાં રાજુ અર્જુનભાઈ વસાવા દ્વારા ચલાવવામાં આવતા અડ્ડા પરથી પોલીસે કુલ ૮ જુગારીઓને રંગેહાથ ઝડપી પાડ્યા હતા. દરોડા દરમિયાન આરોપીઓની અંગઝડતી અને દાવ પરથી કુલ ૧૧,૧૩૦ની રોકડ રકમ તથા જુગારનું સાહિત્ય કબ્જે કરી જુગારધારા કલમ ૧૨ મુજબ કાયદેસરનો ગુનો નોંધવામાં આવ્યો છે.
બીજી ધમાકેદાર કાર્યવાહીમાં, મિલકત સંબંધી ગુનાઓ ઉકેલવા માટે કટિબદ્ધ પોલીસે અગાઉ પ્રોહિબિશન અને એમ.વી. એક્ટના ગુનામાં ઝડપાયેલા અક્ષય ઉર્ફે અક્કુ મહેશભાઈ પાટણવાડીયા (રહે. ઇન્દિરા આવાસ, મકતમપુર) ની શંકાના આધારે કડક પૂછપરછ હાથ ધરી હતી. પોલીસની સઘન પૂછપરછ સામે આરોપી ભાંગી પડ્યો હતો અને તેણે ભરૂચના વિવિધ વિસ્તારોમાંથી મોબાઈલ ચોરી કર્યાની કબૂલાત કરી હતી. આરોપીના ઘરે દરોડો પાડી પોલીસે ટેક્નો, રિયલમી, પોકો, વિવો અને ઓપો કંપનીના ₹૫૦,૦૦૦ની કિંમતના કુલ ૫ ચોરાઉ મોબાઈલ ફોન જપ્ત કર્યા હતા. ચતુરાઈપૂર્વક CEIR પોર્ટલ પર ડેટા ચકાસતા ૨ મોબાઈલના મૂળ માલિકો શોધી કાઢવામાં આવ્યા છે. આમ, સી ડિવિઝન પોલીસે કુલ ૬૧,૧૩૦નો મુદ્દામાલ જપ્ત કરી ગુનેગારોને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે ભરૂચમાં કાયદો અને વ્યવસ્થા સાથે રમત કરનારને બક્ષવામાં આવશે નહીં.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com