વાગરા તાલુકાના સાયખા કેમિકલ ઝોનમાં આવેલી PIXEL કંપનીમાંથી ચીમની મારફતે દુર્ગંધયુક્ત ધુમાડો છોડવામાં આવ્યો હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. કંપનીની ચીમનીમાંથી નીકળતા ધુમાડાને લઈને આસપાસના વિસ્તારમાં ચિંતા ફેલાઈ છે. અને લોકોના આરોગ્ય તથા પર્યાવરણ સામે ગંભીર સવાલો ઊભા થયા છે. કેમિકલ ઝોનમાં કંપનીઓ દ્વારા ઉત્પાદન પ્રક્રિયા દરમિયાન વાયુ પ્રદૂષણના નિયમોનું પાલન થાય છે કે નહીં, ચીમનીમાંથી નીકળતા ધુમાડામાં કયા પ્રકારના તત્ત્વો છે. અને કંપની પાસે જરૂરી પર્યાવરણલક્ષી મંજૂરી તથા પ્રદૂષણ નિયંત્રણની વ્યવસ્થા છે કે નહીં, તે અંગે સંબંધિત તંત્ર દ્વારા તાત્કાલિક અને નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી રહી છે. સ્થાનિકોમાં સવાલ એ પણ છે કે, જો ચીમનીમાંથી ખરેખર દુર્ગંધયુક્ત અને પ્રદૂષિત ધુમાડો છોડવામાં આવ્યો હોય તો તેની જવાબદારી કોની? માત્ર કાગળ પરના નિયમો અને મંજૂરીઓથી પર્યાવરણનું રક્ષણ થઈ શકે નહીં. જમીની હકીકત ચકાસવા માટે અધિકારીઓએ સ્થળ પર પહોંચી ચીમનીના ઉત્સર્જનના નમૂના લઈ વૈજ્ઞાનિક તપાસ કરવી જરૂરી છે.
લોકોનું કહેવું છે કે ઔદ્યોગિક વિકાસની આડમાં માનવ આરોગ્ય અને પર્યાવરણ સાથે કોઈપણ પ્રકારનું સમાધાન ચલાવી શકાય નહીં. જો તપાસમાં કંપની દ્વારા નિયમોનો ભંગ કે પ્રદૂષણ ફેલાવ્યાનું બહાર આવે તો માત્ર નોટિસ આપીને મામલો થાળે પાડવાને બદલે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. હવે જોવાનું એ રહ્યું કે GPCB સહિતનું સંબંધિત તંત્ર PIXEL કંપનીના કથિત વાયુ પ્રદૂષણની ગંભીરતાથી તપાસ કરશે કે પછી કેમિકલ ઝોનમાં પ્રદૂષણના આક્ષેપો પણ કાગળ પરની કાર્યવાહી સુધી જ સીમિત રહી જશે? સ્થાનિક લોકો હવે જવાબ અને નક્કર કાર્યવાહી બંનેની રાહ જોઈ રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે રવિવારની રજાના દિવસે જ આવા પ્રદૂષણના આક્ષેપો વધુ ગંભીર સવાલો ઉભા કરે છે. સ્થાનિકોમાં એવી ચર્ચા છે કે ઉદ્યોગોને નિરીક્ષણ અને તપાસની શક્યતા ઓછી રહેતી હોવાથી કેટલાક ઉદ્યોગકારો રજાના દિવસે નિયમોની અવગણના કરીને પ્રદૂષિત ધુમાડો છોડતા હોવાની શક્યતા રહે છે. જો આવું ખરેખર બની રહ્યું હોય તો તે માત્ર પર્યાવરણ સાથે નહીં, પરંતુ આસપાસના લોકોના આરોગ્ય સાથે પણ ગંભીર ચેડા સમાન છે. તેથી સંબંધિત તંત્ર દ્વારા રવિવાર સહિત રજાના દિવસોમાં પણ અચાનક તપાસ હાથ ધરી હકીકત બહાર લાવવામાં આવે અને દોષિત સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે.
Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com