Skip to main content

Geo Gujarat News

જંબુસર: સ્માર્ટ સિટીના પોકળ દાવાઓ વચ્ચે જંબુસર બન્યું નરકાગાર, ખરાબ રસ્તાઓને કારણે ૧૦૮ એમ્બ્યુલન્સ ન પહોંચી, દર્દીને ખાટલામાં ઢસડવા સ્થાનિકો મજબૂર!

સામાન્ય રીતે ચોમાસા દરમિયાન નર્મદા જિલ્લાના દુર્ગમ અને અંતરિયાળ આદિવાસી વિસ્તારોમાંથી દર્દીઓને ઝોળી કે ખાટલામાં ઊંચકીને દવાખાને લઈ જવાના કાળજું કંપાવનારા દ્રશ્યો સામે આવતા હોય છે. પરંતુ હવે ભાજપ શાસિત નગરપાલિકાઓની અણઘડ નીતિઓને કારણે શહેરી વિસ્તારોની હાલત પણ બદતર બની ચૂકી છે. જંબુસરમાં પાલિકા તંત્ર અને ભૂગર્ભ ગટરના કોન્ટ્રાક્ટરોની ગંભીર બેદરકારીના કારણે સત્તાધીશોના તકલાદી ‘વિકાસ’ નો ફૂગ્ગો સરેઆમ ફૂટી ગયો છે. જંબુસરના વોર્ડ નંબર-૪ માં આવેલી ઈસ્માઈલનગર સોસાયટીમાં ચોમાસાના પહેલા જ વરસાદે તંત્રની પોલ ખોલી નાખી છે. સોસાયટીમાં રહેતા એક વયોવૃદ્ધ નાગરિકની તબિયત અચાનક લથડતાં પરિવારે ત્વરિત સારવાર માટે ૧૦૮ એમ્બ્યુલન્સને કોલ કર્યો હતો.પરંતુ સોસાયટીના રસ્તાઓ પર પડેલા ઊંડા ખાડા, કાદવ-કિચડ અને ગંદકીના સામ્રાજ્યને કારણે એમ્બ્યુલન્સ દર્દીના ઘર સુધી પહોંચી શકી નહોતી. અંતે પરિસ્થિતિ એટલી ગંભીર બની હતી કે સ્થાનિક રહીશોએ ભેગા મળી બીમાર વૃદ્ધને ખાટલા પર સુવડાવીને કાદવ-કિચડ ખૂંદતા ખૂંદતા મુખ્ય રસ્તા સુધી પહોંચાડવા પડ્યા હતા. આ માનવસર્જિત આપત્તિ પાછળ જંબુસર નગરમાં ફેઝ-૨ અંતર્ગત ચાલી રહેલું અંડરગ્રાઉન્ડ ગટરનું કામ જવાબદાર છે. પાઇપલાઇન નાખવાના નામે સમગ્ર નગરમાં આડેધડ ખોદકામ કરી દેવાયું છે, પરંતુ કામ પૂરું થયા પછી ખાડાઓનું યોગ્ય પુરાણ કે રસ્તાઓનું પુનઃનિર્માણ કરવાની તંત્રએ તસદી જ લીધી નથી. પરિણામે, નગરના અનેક વિસ્તારોમાં કાદવનું સામ્રાજ્ય છવાઈ ગયું છે અને રોજબરોજ વાહનો ફસાઈ જવા તથા અકસ્માતો સર્જાવાના બનાવો બની રહ્યા છે. પાલિકાના ભ્રષ્ટ અને નિષ્ક્રિય વહીવટના કારણે આજે જંબુસરના પ્રજાજનો પાયાની સુવિધાઓ માટે નરકયાતના ભોગવવા મજબૂર બન્યા છે.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.

error: Content is protected !!