Skip to main content

Geo Gujarat News

ભરૂચ LCB નો બુટલેગરો પર સર્જિકલ સ્ટ્રાઇક, પ્લાસ્ટિકના કેરેટોની આડમાં ઘૂસાડાતો ૩૨.૫૭ લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝઘડિયા નજીકથી ઝડપાયો, દમણથી ચાલતા રેકેટનો પર્દાફાશ!

આગામી તહેવારોને ધ્યાનમાં રાખીને ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા દારૂ અને જુગાર જેવી અસામાજિક પ્રવૃત્તિઓ ડામવા આકરા પગલાં લેવામાં આવી રહ્યા છે. આ ઝુંબેશ અંતર્ગત ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) ની ટીમે ઝઘડિયા ત્રણ રસ્તા નજીકથી દારૂથી ભરેલી એક ટાટા અલ્ટ્રા ટ્રક ઝડપી પાડી બુટલેગરોના મનસુબા પર પાણી ફેરવી દીધું છે. LCB ના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.પી. વાળાના સીધા માર્ગદર્શન હેઠળ પીએસઆઇ વી.પી. મલ્હોત્રા અને તેમની ટીમે ચોક્કસ બાતમીના આધારે ઝઘડિયા ત્રણ રસ્તા પાસે કડક વોચ ગોઠવી હતી. દમણથી પ્લાસ્ટિકના ખાલી કેરેટોની આડમાં દારૂનો જથ્થો ભરી રાજપીપલા તરફ જઈ રહેલી આ ટ્રકને પોલીસે ઘેરાબંધી કરીને અટકાવી હતી. વાહનની તાડપત્રી હટાવી સઘન તલાશી લેતાં અંદરથી દારૂ અને બિયરના કુલ ૩૪૧ બોક્સ મળી આવ્યા હતા, જેમાંથી ૨૨,૫૫,૭૧૨ ની કિંમતની ૧૧,૯૧૬ દારૂની બોટલો જપ્ત કરવામાં આવી હતી.પોલીસે સ્થળ પરથી ટ્રક ચાલક બબલુકુમાર લક્ષ્મીનારાયણ પ્રજાપતિ (રહે. ભીમપોર, દમણ) ની ધરપકડ કરી છે. પૂછપરછ દરમિયાન ચોંકાવનારો ખુલાસો થયો હતો કે આ જથ્થો દમણના શિવમસિંહ ઉર્ફે વિકાસસિંહ ચૌહાણ પાસેથી લાવવામાં આવ્યો હતો. આ સમગ્ર રેકેટમાં દારૂ મોકલનાર શિવમસિંહ અને મંગાવનાર દિનેશ શાંતિલાલ વસાવા કારમાં ટ્રકનું પાયલોટિંગ કરી રહ્યા હતા. પોલીસે ૨૨.૫૫ લાખનો દારૂ, ૧૦ લાખનો ટ્રક, ૧૨૦ કેરેટ અને મોબાઇલ મળી કુલ ૩૨,૫૭,૭૧૨ નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે ઝઘડિયા પોલીસ સ્ટેશનમાં ચાર ઈસમો સામે ગુનો નોંધી, પાયલોટિંગ કરી ફરાર થયેલા ત્રણ આરોપીઓને ઝડપી પાડવા કાયદાનો સરિયો વીંજવામાં આવી રહ્યો છે.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.

error: Content is protected !!