Skip to main content

Geo Gujarat News

ખાખીના નશામાં છાકટા બનેલા ASI નો બેફામ અત્યાચાર, માણસામાં વયોવૃદ્ધ ચાવાળાને વિના વાંકે માર મારી, ગોળી મારવાની ધમકી આપનાર ASI દિનેશ ચૌધરી સસ્પેન્ડ, સમગ્ર બેડામાં ફફડાટ!

ગાંધીનગર જિલ્લામાં નિર્દોષ શ્રમજીવી પર સત્તાનો દુરુપયોગ કરી કાયદો હાથમાં લેનારા ખાખીધારી સામે જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટીએ દાખલારૂપ અને આકરો સપાટો બોલાવ્યો છે. ૧૫મી ઓગસ્ટે માણસા ખાતે તિરંગા યાત્રા દરમિયાન પોલીસ સ્ટેશનની સામે જ ચાની કિટલી ચલાવતા એક વયોવૃદ્ધ શ્રમજીવી પર માણસા પોલીસ મથકના ASI દિનેશ ચૌધરીએ ખાખીનો રોફ જમાવીને વિના વાંકે જાહેરમાં ઢોર માર માર્યો હતો. આટલેથી ન અટકતાં, આ છાકટા બનેલા ASI એ શ્રમજીવીને ગોળી મારી દેવાની ધમકી આપી, ઢસડીને પોલીસ સ્ટેશન લઈ જઈ લોકઅપમાં પૂરી દેવાની જીદ પકડી હતી. જોકે, નિર્દોષ વૃદ્ધ પ્રત્યે અન્યાય ન થાય તે માટે ફરજ પરના PSO એ લોકઅપની ચાવી આપવાનો ચોખ્ખો ઇનકાર કરી દીધો હતો.બનાવની ગંભીરતા ત્યારે વધી જ્યારે આ અન્યાયનો ભોગ બનેલા શ્રમજીવીના પુત્ર, જેઓ એક મહિલા જજના પ્રાઇવેટ ડ્રાઇવર તરીકે ફરજ બજાવે છે, તેમના મારફતે આ સમગ્ર કાળો ચિટ્ટો ગાંધીનગર એસ.પી. સુધી પહોંચ્યો હતો. જિલ્લા પોલીસ વડાએ તાત્કાલિક સ્થળ તપાસના આદેશ આપી ઘટનાસ્થળ તથા પોલીસ સ્ટેશનના CCTV ફૂટેજ મંગાવી ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી. કેમેરામાં ASI દિનેશ ચૌધરી નિર્દોષ વૃદ્ધ પર બેફામ અત્યાચાર ગુજારતો અને સત્તાનો દુરુપયોગ કરતો સ્પષ્ટપણે કેદ થયેલો જોવા મળ્યો હતો. ગુનાહિત વર્તન સાબિત થતાં જ જિલ્લા પોલીસ વડાએ ASI દિનેશ ચૌધરીને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાનો આકરો હુકમ જારી કર્યો છે. આ કડક કાર્યવાહીથી સ્પષ્ટ સંદેશ ગયો છે કે પ્રજાના રક્ષક બનીને ભક્ષક બનનારા કે ખાખીને કાળી ટીલી લાવનારા કોઈપણ કર્મચારીને બક્ષવામાં આવશે નહીં.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.

error: Content is protected !!