ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન દ્વારા નવી કેન્દ્રીય ટીમની જાહેરાત સાથે જ રાષ્ટ્રીય રાજકારણમાં ગુજરાતનું કદ અને પ્રતિનિધિત્વ અભૂતપૂર્વ રીતે વધી ગયું છે. વર્ષ ૨૦૨૦ પછી પ્રથમ વખત ભાજપ કેન્દ્રીય સંગઠનમાં ગુજરાતના ૪ પ્રભાવશાળી ચહેરાઓને અત્યંત મહત્વપૂર્ણ રાષ્ટ્રીય જવાબદારીઓ સોંપવામાં આવી છે. આ અગાઉ ૨૦૨૦ થી ૨૦૨૩ દરમિયાન ભાવનગરના પૂર્વ એમપી ભારતીબહેન શિયાળ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રહ્યા હતા, ત્યારથી અત્યાર સુધી રાષ્ટ્રીય હોદ્દેદારોમાં કોઈ ગુજરાતી નેતા સામેલ ન હતા. પરંતુ નવી ટીમના ગઠન સાથે જ ગુજરાતી નેતાઓનો દબદબો ફરી એકવાર પ્રસ્થાપિત થયો છે.
નવી ટીમમાં સર્વપ્રથમ અને સૌથી મોટું સરપ્રાઇઝ વડોદરાના ૩૫ વર્ષીય યુવા સાંસદ ડૉ.હેમાંગ જોશીને મળ્યું છે. તેજસ્વી સૂર્યાના સ્થાને ડૉ. હેમાંગ જોશીને ભાજપ યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. એમ.એસ. યુનિવર્સિટીની ABVP પાંખમાંથી સક્રિય રહીને રાજકારણમાં પ્રવેશેલા ડૉ. જોશી ૨૦૧૩થી ભાજપમાં જોડાયા હતા અને ૨૦૨૨માં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના વાઇસ ચેરમેન તરીકે કામગીરી કર્યા બાદ હવે તેઓ કેન્દ્રીય યુવા નેતૃત્વનું સુકાન સંભાળશે. આ ઉપરાંત, વઢવાણના પૂર્વ ધારાસભ્ય અને સંગઠનાત્મક બાબતોના નિષ્ણાત વર્ષાબહેન દોશીને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા છે.
બીજી તરફ, કેન્દ્રીય સંગઠનમાં રાષ્ટ્રીય મંત્રી/સચિવ તરીકે બે ચહેરાઓને સ્થાન મળ્યું છે. જેમાં અમદાવાદની અમરાઈવાડી બેઠકના પૂર્વ ધારાસભ્ય જગદીશ ઈશ્વરભાઈ પટેલનો સમાવેશ થાય છે. જ્યારે કોંગ્રેસમાંથી એપ્રિલ ૨૦૨૪માં ભાજપમાં જોડાયેલા, ડિજિટલ તથા પબ્લિક કમ્યુનિકેશનના નિષ્ણાત અને પૂર્વ કોંગ્રેસી નેતા રાજકુમાર ગુપ્તાના પુત્ર રોહન ગુપ્તાને રાષ્ટ્રીય મંત્રીની મોટી જવાબદારી સોંપાઈ છે. અઢી વર્ષમાં જ પક્ષમાં મેળવેલા કદ અને વજન સાથે રોહન ગુપ્તા સહિત ચારેય નેતાઓની આ નિમણૂકથી ગુજરાત ભાજપના કાર્યકરોમાં ભારે ઉત્સાહનો માહોલ છવાઈ ગયો છે.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com