તહેવારો અને રજાઓના દિવસોમાં હવાઈ ટિકિટના દરોમાં અચાનક આડેધડ અને મનસ્વી વધારો કરીને મુસાફરોનું શોષણ કરતી ખાનગી એરલાઇન્સ કંપનીઓ સામે દેશની સર્વોચ્ચ અદાલતે લાલ આંખ કરી છે. તહેવારોના સમયે લૂંટ સમાન હવાઈ ભાડા વધારવાની મનમાની સામે દાખલ કરાયેલી અરજી પર સુનાવણી કરતા જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ સંદીપ મહેતાની ખંડપીઠે કડક વલણ અપનાવતા કહ્યું છે કે, જો એરલાઇન્સ નિયમોનું પાલન ન કરતી હોય તો તેમની ઉડાનો (ફ્લાઇટ્સ) જ રોકી દેવી જોઈએ. અદાલતે ભારપૂર્વક અવલોકન કર્યું હતું કે મુસાફરોના હિત અને રક્ષણ માટે જે વ્યવસ્થાઓ બનાવવામાં આવી છે, તેના પાલન અને નિયમન અંગે હાલ ચિત્ર સ્પષ્ટ જણાતું નથી.
સુનાવણી દરમિયાન એડિશનલ સોલિસિટર જનરલ અનિલ કૌશિકે કોર્ટને ખાતરી આપી હતી કે હવાઈ ભાડા અને વધારાના ચાર્જિસ સંબંધિત નિયમો બનાવવાની પ્રક્રિયા આખરી તબક્કામાં છે અને તેને પૂર્ણ કરવામાં ૩ અઠવાડિયાનો સમય લાગશે. આ રજૂઆત ધ્યાને લઈ સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને ૩ અઠવાડિયાની આખરી મુહલત આપતાં મામલાની આગામી કડક સુનાવણી ૭ સપ્ટેમ્બર 2026 ના રોજ મુકરર કરી છે.
અરજીકર્તા સામાજિક કાર્યકર્તા એસ. લક્ષ્મીનારાયણે કોર્ટમાં ઉગ્ર રજૂઆત કરી હતી કે ખાનગી એરલાઇન્સ કંપનીઓ અન્યાયી રીતે ગ્રાહકો પાસેથી ભાડું અને વધારાના ચાર્જિસ વસૂલે છે. તેમણે સ્પષ્ટ નિયમન અને ભાડા મર્યાદા નક્કી કરવા માટે એક સ્વતંત્ર રેગ્યુલેટરી બોડી રચવાની માંગ કરી હતી. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રીએ સંસદમાં ‘અમે કંઈ કરી શકતા નથી’ તેવું નિવેદન આપતાં અરજીકર્તાએ ભારે દુઃખ વ્યક્ત કર્યું હતું. અગાઉની સુનાવણીમાં પણ સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં તાકીદ કરી હતી કે મનસ્વી રીતે દરો વધારી મુસાફરોનું શોષણ ચલાવી લેવાશે નહીં અને સરકારે ત્વરિત કડક પગલાં ભરી જનતાને રાહત આપવી જ પડશે.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com