ભરૂચ, આમોદ, જંબુસર અને વાગરા તાલુકાના ખેડૂતો આજે પોતાની વિવિધ માંગણીઓને લઈને ટ્રેક્ટર રેલી સાથે રસ્તા પર ઉતર્યા છે. ખેડૂતોના આ આક્રોશને પગલે પોલીસ તંત્ર પણ એલર્ટ મોડ પર આવી ગયું છે. ડી.વાય.એસ.પી. સહિત અનેક પી.આઈ. અને મોટો પોલીસ કાફલો રસ્તાઓ પર ખડકી દેવામાં આવ્યો છે. સવારે 11:15 કલાકે દયાદરા ખાતે ખેડૂતો ટ્રેક્ટરો સાથે મોટી સંખ્યામાં એકત્ર થયા હતા. ત્યારબાદ ટ્રેક્ટર રેલીના સ્વરૂપમાં ખેડૂતો કલેક્ટરને રજૂઆત કરવા માટે આગળ ધપ્યા હતા. ખેડૂતોના શક્તિપ્રદર્શનથી સમગ્ર માર્ગ પર ભારે ચહલપહલ જોવા મળી હતી. ખેડૂતો ઉપર દમન બંધ કરો, જોર જુલમ કી ટક્કર મેં સંઘર્ષ હમારા હૈ, ખેડૂત વિરોધી કાયદા હટાવો સહિતના બેનરો સાથે મોટી સંખ્યામાં ખેડૂતો રસ્તા પર ઉતર્યા હતા. હાથમાં બેનરો અને સૂત્રોચ્ચારો સાથે ખેડૂતોનો સ્પષ્ટ સંદેશ હતો કે દમન, દબાણ કે પોલીસની રોકટોકથી તેમનો અવાજ દબાવી શકાય નહીં. ખેડૂતો પોતાની માંગણીઓ માટે અંત સુધી સંઘર્ષ કરવાની ચીમકી આપતા રસ્તા પર મક્કમ રીતે ઉભા રહ્યા હતા.
ખેડૂતોની રેલીને અટકાવવા માટે પોલીસે અનેક સ્થળોએ બેરિકેડિંગ કરીને ખેડૂતોને રોકવાનો પ્રયાસ કર્યો હતો. અનેક જગ્યાએ પોલીસ અને ખેડૂતો આમને-સામને આવ્યા હોવાના દૃશ્યો સર્જાયા હતા. જોકે, ખેડૂતો પોતાની માંગણીઓ મુદ્દે મક્કમ રહ્યા હતા. અને કલેક્ટર કચેરી તરફ આગળ વધવાનો પ્રયાસ યથાવત રાખ્યો હતો. એક તરફ ખેડૂતોનો આક્રોશ અને બીજી તરફ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત આ સમગ્ર ઘટનાને પગલે ભરૂચમાં હાલ તણાવપૂર્ણ માહોલ જોવા મળી રહ્યો છે. ખેડૂતોનો સ્પષ્ટ સંદેશ છે કે, માત્ર રોકટોકથી તેમનો અવાજ દબાશે નહીં અને પોતાની માંગણીઓને લઈને તેઓ હવે રસ્તા પર ઉતરીને સરકાર સુધી અવાજ પહોંચાડશે.

Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com