રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ૧૫મી ઓગસ્ટના પાવન પર્વની અનોખા ઉત્સાહ અને દેશભક્તિના માહોલ વચ્ચે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ધોરાજીની ૧૦૫ વર્ષથી વધુ જૂની મદ્રેસા-એ-મીસકીનીયાહ ખાતે ધ્વજવંદન, રાષ્ટ્રગીત સહિતના કાર્યક્રમો યોજી આઝાદીની લડતમાં શહીદ થયેલા વીર જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.કાર્યક્રમ દરમિયાન મેમન સમાજના અગ્રણી ઇમ્તિયાઝભાઈ અબ્દુલગફાર સુપેડીવાલાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સંસ્થાના બાળકોએ રાષ્ટ્રગીત રજૂ કર્યું હતું. મુખ્ય મહેમાન ઇમ્તિયાઝભાઈ સુપેડીવાલા, વિશેષ અતિથિ આર્મીમેન ગુલમોહમદભાઈ તથા સકલેનભાઈ પાનવાલાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. સંસ્થાના ટ્રસ્ટી નોશાદભાઈ ગોડીલ ઉમરાહ શરીફની પવિત્ર યાત્રાએ જઈ રહ્યા હોવાથી ટ્રસ્ટીઓ અને શિક્ષકગણ દ્વારા તેમનું ગુલદસ્તા તથા શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.
પ્રાસંગિક ઉદબોધનમાં સંસ્થાના પ્રમુખ અફરોઝભાઈ લકડકુટાએ જણાવ્યું હતું કે, “દેશ માટે જીવવું અને મરવું એ જ સાચી દેશભક્તિ છે. શહીદોના સપનાઓ સાકાર કરવા એ જ તેમની સાચી શ્રદ્ધાંજલિ છે.” તેમણે વધુમાં જણાવ્યું હતું કે સ્વતંત્રતાની સાચી ઓળખ એકતામાં છુપાયેલી છે અને આઝાદીનો સાચો અર્થ શાંતિ, સમાનતા અને વિકાસ છે. “આઝાદ ભારત, સશક્ત ભારત”ને તેમણે સૌનું લક્ષ્ય બનાવવા આહ્વાન કર્યું હતું.
આ પ્રસંગે સંસ્થાની શૈક્ષણિક સિદ્ધિઓ અંગે પણ મહત્વની જાહેરાત કરવામાં આવી હતી. સંસ્થાના આશરે ૪૫ વિદ્યાર્થીઓએ આલીમ, કારી અને હાફિઝનો અભ્યાસક્રમ પૂર્ણ કર્યો છે, જેમનો દસ્તારબંધી તથા પદવીદાન સમારોહ આગામી ૬ નવેમ્બર, ૨૦૨૬ના રોજ યોજાશે. સાથે જ ચાલુ વર્ષે સંસ્થાના આશરે ૧૩ વિદ્યાર્થીઓ SSC બોર્ડ અને ૨ વિદ્યાર્થીઓ HSC બોર્ડની પરીક્ષા આપશે. દર વર્ષે વધુને વધુ વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષામાં મોકલવાનું લક્ષ્ય સંસ્થાએ નક્કી કર્યું છે.
કાર્યક્રમમાં સંસ્થાના પ્રમુખ અફરોઝભાઈ લકડકુટા ઉપરાંત સીરાજભાઈ ધાયા, હમીદભાઈ ગોડીલ, નોશાદભાઈ ગોડીલ, ઇન્ચાર્જ પ્રિન્સિપાલ મુફતી મૌલાના નવાઝ સાહેબ, મૌલાના એહમદ હુશેન સુફી સાહેબ, મુફતી મુનવ્વર રઝા સાહેબ, શકીલ મૌલાના સાહેબ સહિતના મહાનુભાવો, ટ્રસ્ટીઓ, શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ દેશભક્તિ, એકતા અને શિક્ષણના સંદેશ સાથે સંપન્ન થયો હતો.
સકલૈન ગરાણા, ધોરાજી
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com