ભરૂચ નજીકથી પસાર થતાં દિલ્હી-મુંબઈ નેશનલ હાઈવે પર ટોલ પ્લાઝા પાસે બે ટ્રકો વચ્ચે ભીષણ અને ગંભીર અકસ્માત સર્જાતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ ધડાકાભેર થયેલી ટક્કરમાં એક ટ્રકનો આગળનો ભાગ બૂચડાઈ જતાં તેનો ચાલક લોખંડની કેબિનમાં ગંભીર રીતે ફસાઈ ગયો હતો અને જીવ બચાવવા માટે બુમાબુમ કરી મૂકી હતી. બનાવની જાણ થતાં જ ભરૂચ નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ ત્વરિત ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને યુદ્ધના ધોરણે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું.
ફાયર જવાનોએ હાઇડ્રોલિક કટર અને વિશિષ્ટ સાધનોની મદદથી ભારે જહેમત બાદ કેબિનના પતરાં કાપીને ફસાયેલા ઇજાગ્રસ્ત ડ્રાઇવરને કાળજીપૂર્વક બહાર કાઢી નવજીવન આપ્યું હતું. લોહીલુહાણ હાલતમાં બહાર કઢાયેલા ચાલકની ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને તેને 108 એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ ભયાનક અકસ્માતના પગલે નેશનલ હાઈવે પર વાહનોની લાંબી કતારો ખડકાઈ જતાં થોડા સમય માટે ટ્રાફિક જામ અને ભારે અરાજકતા સર્જાઈ હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી અકસ્માતગ્રસ્ત વાહનોને ખસેડી ટ્રાફિક હળવો કર્યો હતો.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com