અનેક ઇમારતો ધ્વસ્ત, 10 લોકોના મોત અને 17 ઘાયલ; ઝેલેન્સ્કી લાલઘૂમ: રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલું રક્તરંજિત યુદ્ધ વધુ ભયાનક અને આક્રમક મોડ પર પહોંચી ગયું છે. યુક્રેન દ્વારા રશિયાની સરહદથી છેક મોસ્કો સુધી કરાયેલા ઐતિહાસિક ડ્રોન અને મિસાઇલ હુમલાથી તિલમિલાયેલા રશિયાએ વળતો આકરો પ્રહાર કરીને યુક્રેનના ઉત્તર-પૂર્વીય ખારકીવ વિસ્તારમાં કાળો કેર વર્તાવ્યો છે. રશિયન સેનાએ પેચેનીહી ગામના અતિ વ્યસ્ત મધ્ય ભાગને નિશાન બનાવીને બે નાની બેન્ડેરોલ ક્રૂઝ મિસાઇલો છોડી હતી, જેમાં રસ્તા પરથી પસાર થતાં નિર્દોષ નાગરિકો સહિત ૧૦ લોકોના ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યા છે, જ્યારે ૧૭ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ ઘાતક મિસાઇલ એરસ્ટ્રાઇકમાં કાફે, પોસ્ટ ઑફિસ, દુકાનો અને ૧૦ જેટલા રહેણાંક મકાનો ક્ષણભરમાં કાટમાળના ઢગલામાં ફેરવાઈ ગયા હતા તથા અડધો ડઝનથી વધુ વાહનો સળગીને ખાખ થઈ ગયા હતા. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીએ આ પાશવી હુમલા બાદ અત્યંત આકરા શબ્દોમાં પ્રતિક્રિયા આપતાં રશિયાને ભયાનક પરિણામો ભોગવવાની કડક ચેતવણી આપી છે. ખારકીવના ગવર્નર ઓલેહ સિનીહુબોવના જણાવ્યા મુજબ ઘટનાસ્થળે કાટમાળ હટાવીને લોકોને બહાર કાઢવા માટે યુદ્ધના ધોરણે રાહત-બચાવ કાર્ય ચાલુ કરી દેવાયું છે. ઉલ્લેખનીય છે કે, આ હુમલાના બે દિવસ પહેલા જ યુક્રેને રશિયામાં ૧૫૦૦ થી ૨૦૦૦ કિલોમીટર અંદર ઘૂસીને મોસ્કો સહિતના વિસ્તારોમાં સૈન્ય અને ઉર્જા મથકો પર વિરાટ ડ્રોન હુમલો કર્યો હતો, જેના ઉત્તરમાં રશિયાએ હવે કીવ, ક્રિવી રિહ અને ખારકીવ પર આત્મઘાતી મિસાઇલો ઝીંકીને સમગ્ર યુક્રેનમાં ભારે વિનાશ વેર્યો છે.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com