નેત્રંગ-વાલીયા સ્ટેટ હાઈવે પર આવેલા મોરિયાણા ગામના સ્ટેશન પાસે બેફામ દોડતા વાહનચાલકો અને વહીવટી તંત્રની નિષ્ક્રિયતા સામે સ્થાનિક ગ્રામજનોનો આક્રોશ ચરમસીમાએ પહોંચ્યો છે. વારંવાર સર્જાતા અકસ્માતો અને તોળાતા જીવના જોખમથી કંટાળીને ગ્રામજનોએ નેત્રંગ મામલતદારને આવેદનપત્ર પાઠવી તાત્કાલિક અસરથી સ્પીડ બ્રેકર બનાવવાની કડક માગણી કરી છે. મોરિયાણાના કુરી ફળીયાના પૂર્વ સરપંચ જગદીશ ઘનાભાઈ વસાવા, ગ્રામ પંચાયત સભ્ય રાજેશ રૂપસિંહભાઇ વસાવા, યુવા આગેવાન સુભાષ વિરમભાઈ વસાવા, સુરેશકુમાર અમરસિંહભાઈ વસાવા, દીપરાજ ઉપેન્દ્રભાઈ વસાવા અને કાંતિભાઈ છીતુભાઈ વસાવા સહિતના અગ્રણીઓએ મામલતદાર કચેરી ખાતે રૂબરૂ પહોંચી વહીવટી તંત્ર સામે સીધો વિરોધ નોંધાવ્યો હતો.
આવેદનપત્રમાં આકરા શબ્દોમાં રજૂઆત કરવામાં આવી છે કે મોરિયાણા ગામના સ્ટેશન પાસે આવેલો આ માર્ગ અત્યંત વ્યસ્ત રહે છે, જ્યાંથી દિવસ-રાત નાના-મોટા વાહનો બેફામ અને પૂરપાટ ઝડપે પસાર થાય છે. આ જ રોડ પર નજીકમાં શાળા, હાઈસ્કૂલ, હોસ્પિટલ અને એમ.એસ.ડબલ્યુ. કોલેજ જેવી મહત્વપૂર્ણ સંસ્થાઓ આવેલી હોવાથી દરરોજ અંદાજે ૨૦૦ થી ૨૫૦ જેટલા નિર્દોષ વિદ્યાર્થીઓ ઉપરાંત મહિલાઓ અને વડીલોની સતત અવરજવર રહે છે.
વાહનચાલકોની હદપારની બેદરકારીના કારણે અહીં નાના-મોટા અકસ્માતો નિત્યક્રમ બની ગયા છે અને ગત અઠવાડિયે જ સર્જાયેલા ગંભીર અકસ્માત બાદ સમગ્ર વિસ્તારમાં ભારે દહેશત વ્યાપી ગઈ છે. ગ્રામજનોએ સ્પષ્ટ તાકીદ કરી છે કે કોઈ મોટો હોનારત કે જાનહાનિ થાય તે પહેલા તંત્ર ઘોર નિંદ્રામાંથી જાગે અને તાત્કાલિક ધોરણે મજબૂત સ્પીડ બ્રેકરનું નિર્માણ કરે, અન્યથા આગામી દિવસોમાં જનતા વિરોધના આકરા માર્ગે જવાની ફરજ પડશે.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com