Skip to main content

Geo Gujarat News

રાજપારડી-GMDC રોડની દયનીય હાલતથી પ્રજા ત્રસ્ત, ખાતમુહૂર્તના તૂત છતાં રસ્તો બિસ્માર, કાદવમાં ચપ્પલ ખૂંપી જતાં લોકો હાથમાં પંપાળી ચાલવા મજબૂર!

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં આવેલો રાજપારડીના માધુપુરાથી GMDC, ગુંડેચા અને આમલઝર તરફ જતો મુખ્ય માર્ગ વહીવટી તંત્રની ઘોર બેદરકારીના કારણે અત્યંત બિસ્માર અને નરકાગાર બની ગયો છે. રસ્તા પર પડેલા મસમોટા ખાડા, કાદવ-કીચડ અને ધૂળની ડમરીઓના કારણે વાહનચાલકો તેમજ રાહદારીઓની હાલત બદતર બની ચૂકી છે. થોડા મહિના પહેલાં જ સ્થાનિક ધારાસભ્યના હસ્તે કરોડોના ખર્ચે બનનારા આ માર્ગનું ખાતમુહૂર્ત કરી મોટો તામજામ રચવામાં આવ્યો હતો, પરંતુ વાસ્તવિકતા એ છે કે ખાતમુહૂર્તના નાટક પછી પણ પરિસ્થિતિ જસની તસ રહી છે. તંત્રની કાગળ પરની વાતો વચ્ચે સ્થાનિક રહીશોમાં હવે સવાલ ઊભો થયો છે કે નેતાઓના ખાતમુહૂર્ત કેવળ વોટબેંકના તૂત હતા કે ખરેખર રોડનું કામ શરૂ થશે?વરસાદના લીધે રોડ પર કાદવનું સામ્રાજ્ય સ્થપાતાં લોકોને ચાલવામાં ભારે મુશ્કેલી પડી રહી છે; કાદવમાં ચપ્પલ ખૂંપી જતાં નિર્દોષ ગ્રામજનો અને શાળાએ જતાં બાળકોએ હાથમાં ચપ્પલ પકડીને રસ્તો પસાર કરવાની નોબત આવી છે. બીજી તરફ, GMDC ની ખાણોમાંથી ચોવીસે કલાક પસાર થતાં ભારે વાહનોના ઓવરલોડ ટ્રાફિકે આ માર્ગને સંપૂર્ણપણે તારાજ કરી નાખ્યો છે, જેનાથી ગંભીર અકસ્માતોનું જોખમ તોળાઈ રહ્યું છે. ચૂંટણી ટાણે વોટ માગવા હાથ જોડીને ઉમટી પડતા નેતાઓ અને તંત્રના અધિકારીઓ આજે પ્રજાની આ હાલત પર મૌન સેવીને બેઠા છે. આક્રોશિત ગ્રામજનોએ આકરા શબ્દોમાં તાકીદ કરી છે કે કાગળ પરના ખાતમુહૂર્ત બંધ કરી ત્વરિત ધોરણે ગુણવત્તાસભર રોડનું કામ શરૂ કરવામાં આવે અને ત્યાં સુધી ખાડા પુરાણની કામગીરી કરાય, અન્યથા ઉગ્ર આંદોલન છેડવામાં આવશે.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.

error: Content is protected !!