દેશભરની ટેકનિકલ કોલેજોમાં ડિપ્લોમા, ડિગ્રી ઈજનેરી, પીજી ઈજનેરી (M.E.), MBA અને MCA સહિતના વિવિધ કોર્સીસમાં પ્રવેશ મેળવવા ઈચ્છતા હજારો વિદ્યાર્થીઓ માટે રાહતના મોટો સમાચાર સામે આવ્યા છે. ઓલ ઈન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન (AICTE) ના અગાઉના એકેડેમિક કેલેન્ડર મુજબ પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ કરવાની આખરી મુદત ૧૪ ઓગસ્ટે પૂર્ણ થઈ ગઈ હતી. જોકે, વિવિધ રાજ્યોના કોલેજ એસોસિએશનો દ્વારા સુપ્રીમ કોર્ટના દરવાજા ખટખટાવાયા બાદ, સર્વોચ્ચ અદાલતના આદેશને પગલે AICTE એ સુધારેલું કેલેન્ડર જાહેર કર્યું છે. જે મુજબ હવે તમામ ટેકનિકલ કોર્સીસમાં પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ કરવાની આખરી તારીખ વધારીને ૧૪ સપ્ટેમ્બર કરી દેવામાં આવી છે. આમ, પ્રવેશથી વંચિત રહેલા વિદ્યાર્થીઓને મનપસંદ કોર્સ કે કોલેજમાં પ્રવેશ મેળવવા માટે આખો એક મહિનો વધુ સમય મળશે.
AICTE ના આ નિર્ણયને પગલે હવે ગુજરાતમાં પણ ACPC અને ACPDC દ્વારા ડિપ્લોમા, ડિગ્રી ઈજનેરી, M.E. તેમજ MBA-MCA ના સરકારી અને ગ્રાન્ટેડ કોલેજોમાં ખાલી પડેલી બેઠકો ભરવા માટે વધુ એક વધારાનો રાઉન્ડ (ઓફલાઈન) યોજાય તેવી પ્રબળ શક્યતાઓ સેવાઈ રહી છે. એટલું જ નહીં, ડિપ્લોમા પછી સીધા ડિગ્રીના બીજા વર્ષમાં પ્રવેશ માટેની D2D (લેટરલ એન્ટ્રી) ની ડેડલાઈન પણ લંબાવીને ૧૪ સપ્ટેમ્બર કરવામાં આવી છે. આ ઉપરાંત, સુધારેલા નિયમો મુજબ પ્રવેશ રદ કરાવીને પૂરું ફી રીફંડ મેળવવાની મુદત ૩૧ જુલાઈ સુધી લંબાવવામાં આવી હતી, જ્યારે કોલેજોમાં નવું શૈક્ષણિક સત્ર શરૂ કરવાની તારીખ ૧ ઓગસ્ટથી લંબાવીને ૧૭ ઓગસ્ટ નિયત કરાઈ છે. AICTE અને સુપ્રીમ કોર્ટના આ નિર્ણયથી ગુજરાત સહિત દેશભરના હજારો વિદ્યાર્થીઓ અને વાલીઓને મોટી રાહત સાંપડી છે.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com