શિક્ષણ વ્યવસ્થામાં વ્યાપેલા ભ્રષ્ટાચાર અને અન્યાય સામે અવાજ ઉઠાવનારા યુવાનો પર દિલ્હી પોલીસે આચરેલી અમાનુષી બર્બરતા અને ઝુલમ સામે સર્વોચ્ચ અદાલતે સખત વલણ અપનાવ્યું છે. ગત ૨૦મી જુલાઇએ જંતર-મંતરથી સંસદ માર્ચ દરમિયાન વિદ્યાર્થીઓ પર કરાયેલા પાશવી લાઠીચાર્જની ઘટનામાં સુપ્રીમ કોર્ટે સુપ્રીમ કોર્ટના નિવૃત જજ, હાઇકોર્ટના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ, પૂર્વ DGP અને CBI ના પૂર્વ ડાયરેક્ટરની બનેલી એક ઉચ્ચસ્તરીય તપાસ પેનલ રચવાની જાહેરાત કરી છે. સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત, ન્યાયાધીશ જોયમાલ્યા બાગ્ચી અને વી. મોહનાની ખંડપીઠે દિલ્હી પોલીસના અત્યાચાર સામે આક્રોશ વ્યક્ત કરતા સ્પષ્ટ કહી દીધું છે કે, શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન કરવાનો વિદ્યાર્થીઓનો બંધારણીય અધિકાર છે અને તેમના ભવિષ્ય સાથે કોઈ રમત રમી શકાય નહીં.
સુનાવણી દરમિયાન કોર્ટે દિલ્હી પોલીસ દ્વારા વિદ્યાર્થીઓ પર નોંધાયેલી FIR અંગેનો તમામ હિસાબ માગી લીધો હતો અને સંકેત આપ્યા હતા કે યુવાનોની જિંદગી અને ભવિષ્યને ધ્યાને રાખીને આ તમામ કેસ રદ કરવામાં આવશે. સોશિયલ મીડિયા પર પ્રદર્શનકારી યુવતીઓની કરાતી ઓનલાઈન સતામણી અને પોલીસકર્મીઓ દ્વારા મહિલાઓ સાથે કરાયેલા અભદ્ર વર્તનની ગંભીર નોંધ લેતા કોર્ટે ચીમકી આપી હતી કે નવનિયુક્ત કમિટી આ તમામ પાસાઓની તટસ્થ તપાસ કરશે અને દોષિતોને બક્ષવામાં નહીં આવે. બીજી તરફ કેન્દ્ર સરકાર વતી સોલિસિટર જનરલ તુષાર મેહતાએ પણ સ્વીકાર્યું હતું કે વિદ્યાર્થીઓ સામેની ફરિયાદો રદ થવી જોઈએ. સુપ્રીમ કોર્ટે પ્રદર્શન સમયના તમામ વીડિયો અને તસવીરી પુરાવાઓને સુરક્ષિત રાખી તપાસ સમિતિને સોંપવાનો આદેશ કરીને કાયદાકીય શિકંજો વધુ મજબૂત કર્યો છે.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com