આમોદ પંથકમાં રખડતા પશુઓની વિકરાળ બનેલી સમસ્યા હવે વાહનચાલકો માટે જીવલેણ અને અબોલ જીવો માટે કાળસાબિત થઈ રહી છે. તાજેતરમાં જ આમોદ-આછોદ માર્ગ પર ગાય સાથે અથડાતાં બાઈકસવાર યુવાનો ઇજાગ્રસ્ત થયા હતા અને કાર વોશ સેન્ટરના ખાડામાં ગાય ખાબકવાની ઘટના બની હતી. આ તમામ દુર્ઘટનાઓ બાદ આમોદ નગરપાલિકા દ્વારા શહેરમાં રિક્ષા ફેરવીને પશુપાલકોને ઢોર વાડામાં બાંધી રાખવા કડક અનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું હતું. પરંતુ કમનસીબીની વાત એ છે કે નગરપાલિકાની આ ચેતવણીના દિવસે જ સાંજના સમયે આમોદ ચાર રસ્તા (NH-64) પર બેફામ દોડતા એક અજાણ્યા વાહને માસૂમ વાછરડાને જોરભેર અડફેટે લેતા તેનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ માર્ગ પર ચક્કાજામની સ્થિતિ સર્જાતા નગરપાલિકાની ટીમે જેસીબી (JCB) સાથે દોડી આવી મૃત વાછરડાને ખસેડી ટ્રાફિક પૂર્વવત કરવો પડ્યો હતો.
સ્થિતિ કેટલી ગંભીર છે તેની સાક્ષી ખુદ તંત્રની ઓફિસ બહારના દ્રશ્યો પૂરે છે. આમોદ નગરપાલિકા કચેરીની બરાબર સામે જ મુખ્ય રસ્તા વચ્ચે પશુઓએ અડિંગો જમાવીને બેસી રહેવાની કાયમી ટેવ પાડી દીધી છે.રાત્રિના સમયે કે સાંજના સમયે નગરપાલિકાની નજર સામે જ રસ્તા વચ્ચે બેસતા આ ઢોરોના કારણે પસાર થતા વાહનચાલકો અને રાહદારીઓ ભારે મુશ્કેલીમાં મુકાય છે. વાહનોની હેડલાઇટના રિફ્લેક્શનના કારણે રસ્તા વચ્ચે બેઠેલા આ પશુઓ અચાનક નજરે પડતા નથી, જેના લીધે અવારનવાર નાના-મોટા અકસ્માતો સર્જાય છે.
છેલ્લા એક મહિનામાં જ ૩ થી ૪ નિર્દોષ પશુઓ અકસ્માતનો ભોગ બન્યા હોવાના સ્થાનિક આક્ષેપો સાથે જનઆક્રોશ ચરમસીમાએ પહોંચ્યો છે. કચેરીની સામે જ ખુલ્લેઆમ જોવા મળતી આ લાપરવાહી તંત્રની બેદરકારીની પોલ ખોલી નાખવા માટે પૂરતી છે, છતાં સત્તાધીશો આંખ આડા કાન કરી રહ્યા છે.
સતત બની રહેલી દુર્ઘટનાઓ, પશુઓના અકાળ મરણ અને નાગરિકોના લોહી રેડાવા છતાં સ્થાનિક તંત્રની લાપરવાહી સામે ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે. નગરજનો હવે તીખા સવાલો પૂછી રહ્યા છે કે આખરે કોઈ મોટો માનવજીવનનો ભોગ લેવાશે ત્યાર બાદ જ તંત્ર ઊંઘમાંથી જાગશે? માત્ર કાગળ પરની સૂચનાઓ અને માઈક પરની અપીલો કરવાને બદલે હાઈવે, નગરપાલિકાની આસપાસ અને મુખ્ય ચાર રસ્તા પરથી રખડતા ઢોરને પકડીને પાંજરાપોળમાં મોકલવાની નક્કર અને કાયમી કાર્યવાહી રસ્તા પર ક્યારે દેખાશે? તંત્રની આ નિષ્ક્રિયતા સામે સ્થાનિકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે અને વહેલી તકે સઘન પગલાં ભરવાની માંગ જોડ પકડી રહી છે.
Author: Yasin Diwan
સમાચાર તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 9574469023