રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI) એ દેશના કરોડો લોન ધારકો માટે વ્યાજ દરોના ખેલમાં પારદર્શિતા લાવવા અને બેંકોની મનમાની પર સખત લગામ કસવા માટે એક અત્યંત મહત્વપૂર્ણ ડ્રાફ્ટ ફ્રેમવર્ક જાહેર કર્યું છે. નવી યોજના હેઠળ, ફ્લોટિંગ-રેટ હોમ લોન પર વ્યાજ દરો રીસેટ કરવાની સમયમર્યાદા વર્ષમાં એકવારના બદલે વધુમાં વધુ દર ૩ મહિને ફરજિયાત કરવાની જોગવાઈ લાવવામાં આવી રહી છે. RBI ના આ પ્રસ્તાવ પર ૧૧ સપ્ટેમ્બર ૨૦૨૬ સુધી જાહેર સૂચનો મંગાવવામાં આવ્યા છે અને મંજૂરી મળતાં જ આ નવો કડક નિયમ ૧ એપ્રિલ ૨૦૨૭ થી દેશભરમાં લાગુ કરી દેવાશે. અત્યાર સુધી RBI દ્વારા રેપો રેટ ઘટાડાયા બાદ પણ બેંકો મહિનાઓ સુધી ગ્રાહકોને વ્યાજ ઘટાડાનો લાભ આપતી નહોતી, પરંતુ હવે દર ક્વાર્ટરે દર રીસેટ થવાથી રેપો રેટ આધારિત લોન લેનારાઓને વ્યાજ ઘટવાનો લાભ ત્વરિત મળશે, જોકે સામે પક્ષે દરો વધવાની સ્થિતિમાં તેની ઝડપી અસર પણ ભોગવવી પડશે. RBI નો આ આકરો ફેરફાર મુખ્યત્વે ફ્લોટિંગ-રેટ ધરાવતી હોમ લોન પર સીધો લાગુ થશે, જ્યારે મોટાભાગની પર્સનલ અને ઓટો લોન ફિક્સ-રેટ આધારિત હોવાથી તેની ચાલુ EMI માં તુરંત કોઈ ફેરફાર થશે નહીં. હયાત હોમ લોન ધારકોને ૧ એપ્રિલ ૨૦૨૯ સુધીમાં કોઈપણ પ્રોસેસિંગ ફી કે વધારાના બોજ વગર નવી સિસ્ટમમાં શિફ્ટ કરવાની બેંકોને કડક સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત, બેંકો ગ્રાહક સાથે કરેલા કરારમાં સ્પ્રેડના નોન-ક્રેડિટ હિસ્સામાં ૩ વર્ષ સુધી પોતાની મરજીથી કોઈ જ વધારો કરી શકશે નહીં. ભવિષ્યમાં નવી હોમ લોન લેનારા ગ્રાહકોને પણ બેન્ચમાર્ક પરનો સ્પ્રેડ, રીસેટ ફ્રીક્વન્સી અને પોતાની આર્થિક ક્ષમતા ચકાસીને જ લોન એગ્રીમેન્ટ સાઈન કરવાની તંત્ર દ્વારા સ્પષ્ટ સલાહ આપવામાં આવી છે.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com