પાકિસ્તાન સામે રાજદ્વારી સ્તરે આકરું વલણ અપનાવતા ભારતે નવી દિલ્હી સ્થિત પાકિસ્તાન હાઈ કમિશનની બહાર ગોઠવાયેલો સુરક્ષા ઘેરો તાત્કાલિક અસરથી દૂર કરીને ઈંટનો જવાબ પથ્થરથી આપ્યો છે. ઇસ્લામાબાદમાં ભારતીય હાઈ કમિશનની બહાર પાકિસ્તાને સુરક્ષા બેરિકેડ અને પાર્કિંગ થાંભલા દૂર કરવાની ઉદ્ધત હરકત કર્યાના ગણતરીના દિવસોમાં જ ભારતીય અધિકારીઓએ આ આક્રમક વળતી કાર્યવાહી કરી છે. પાકિસ્તાન હાઈ કમિશનની બહાર રસ્તા પર ગેરકાયદેસર રીતે ઉભા કરાયેલા ટ્રાફિક બેરિકેડ, કોંક્રિટ બોલાર્ડ, અવરોધો અને વિઝા વિભાગ પાસે ગલીમાં સીમા બહાર કરાયેલા કતાર-વ્યવસ્થાપનના તમામ માળખાં પર તંત્રે સપાટો બોલાવી રસ્તો ખુલ્લો કરી દીધો છે.

પહેલગામમાં પાકિસ્તાન પ્રેરિત કાયર આતંકવાદીઓ દ્વારા ૨૬ નિર્દોષ નાગરિકોની કરાયેલી નિર્મમ હત્યા બાદ બંને દેશો વચ્ચેના સંબંધોમાં ભારે તણાવ વ્યાપેલો છે. તેવામાં ઇસ્લામાબાદની નફ્ફટાઈ સામે ભારતે લીધેલા આ આકરા નિર્ણયથી પાકિસ્તાની રાજદૂતાવાસની સુરક્ષા છીનવાઈ જતાં તેમના પેટમાં તેલ રેડાયું છે. ભારત સરકારના આ પગલાંએ સ્પષ્ટ સંકેત આપ્યો છે કે પાકિસ્તાનની કોઈપણ નાપાક અને ગેરવાજબી કાર્યવાહી સામે ભારત હવે એક પણ સેકન્ડનો વિલંબ કર્યા વગર ત્વરિત અને સણસણતો જવાબ આપશે.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com