Skip to main content

Geo Gujarat News

ભરૂચના પાલેજમાં અખાદ્ય ખોરાક વેચનારાઓ પર દરોડા, ૧૦ હોટેલોમાં તંત્ર ત્રાટક્યું, વાસી ચિકન-શાકભાજી સહિતનો મસમોટો જથ્થો પકડી નાશ કરાયો; વેપારીઓમાં ફફડાટ!

ચોમાસાની ઋતુમાં ગંદકી અને દૂષિત ખોરાકના કારણે રોગચાળો ફેલાવાનો ભય ચરમસીમાએ પહોંચ્યો છે, ત્યારે જાહેર જનતાના આરોગ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં કરતાં હોટેલ સંચાલકો અને વેપારીઓ સામે ભરૂચ જિલ્લા ખોરાક અને ઔષધ નિયમન તંત્રએ આકરું વલણ અપનાવી લાલ આંખ કરી છે. લોકોના જીવ સાથે રમત રમીને કાળી કમાણી કરતાં તત્વોને પાઠ ભણાવવા તંત્રની ટીમે પાલેજ પંથકમાં આવેલી ૧૦ જેટલી હોટેલો અને ખાણીપીણીની પેઢીઓમાં અચાનક સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરીને મોટો પર્દાફાશ કર્યો છે. તપાસ દરમિયાન રસોડાની ભયાનક ગંદકી અને ખાદ્ય પદાર્થોના સંગ્રહમાં ગંભીર બેદરકારી સામે આવતાં નિયમોનું ઉલ્લંઘન કરનાર સંચાલકોને સ્થળ પર જ કડક નોટિસ ફટકારવામાં આવી છે.તપાસ ટીમને સ્થળ પરથી માનવ સ્વાસ્થ્ય માટે અત્યંત જોખમી એવો વાસી અને અખાદ્ય ખોરાકનો જથ્થો મળી આવ્યો હતો, જે જોઈને અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. કબ્જે કરાયેલા જથ્થામાં ૧૦ કિલો વાસી શાકભાજી (ટામેટા, ધાણા, લસણ), ૨ કિલો બાફેલા ચણા, ૧.૫૦ કિલો ચિકન ગ્રેવી, ૫ કિલો બાફેલો ભાત, ૩ કિલો કાચું ચિકન, ૩ કિલો વારંવાર તળેલું દૂષિત તેલ, ૨૪ નંગ વાસી રોટલી, ૪ કિલો ચિકન મસાલા, ૭ કિલો રેડ ટિક્કા ચિકન અને અન્ય ૭ કિલો અખાદ્ય સામગ્રીનો સમાવેશ થાય છે. આ તમામ અખાદ્ય વસ્તુઓનો તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે સ્થળ પર જ નાશ કરાવવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે આવા દૂષિત ખોરાકના સેવનથી ફૂડ પોઇઝનિંગ, ઝાડા-ઉલટી, ટાઇફોઇડ, કોલેરા અને કમળા જેવા જીવલેણ રોગો તેમજ લિવર-કિડનીને કાયમી નુકસાન થઈ શકે છે. વહીવટી તંત્રની આ આક્રમક કાર્યવાહી અને ભવિષ્ય માટે અપાયેલી આકરી ચેતવણીથી ભેળસેળિયા વેપારીઓમાં ભારે ધ્રુજારી વ્યાપી ગઈ છે.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.

error: Content is protected !!