પાલેજમાં હોટેલનું અખાદ્ય ભોજન આરોગવાથી એક નિર્દોષ સગીરના મોતની ગંભીર દુર્ઘટના બાદ ભરૂચ જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ ઘોર નિંદ્રામાંથી સફાળું જાગ્યું છે. પ્રજાના આરોગ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં કરતાં ભ્રષ્ટ વેપારીઓ સામે તંત્રે ભારે આક્રોશ સાથે લાલ આંખ કરી છે. ભરૂચ બાદ હવે અંકલેશ્વર શહેર અને જૂના નેશનલ હાઇવે નંબર ૮ પર આવેલી હોટેલો, લારી-ગલ્લાં તેમજ આઈસ્ક્રીમ પાર્લરો પર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ અને અંકલેશ્વર નગરપાલિકાની સંયુક્ત ટીમે સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરી ભારે ધમાસાણ મચાવ્યું હતું. મોડી સાંજ સુધી ચાલેલી આ આક્રમક ઝુંબેશ દરમિયાન નિયમોનું ધિષ્ટાંત ઉડાવતા ભેળસેળિયા વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો.
તપાસ દરમિયાન હાઈવે પર આવેલી ‘ન્યૂ ભંડાર રેસ્ટોરન્ટ’માં અત્યંત ગંદકી અને માન્ય ફૂડ લાયસન્સનો અભાવ જણાતાં તંત્રે આ હોટેલને તાત્કાલિક અસરથી બંધ કરાવી દીધી હતી. જ્યારે બીજી તરફ, ખોડિયાર કાઠિયાવાડી હોટેલનું લાયસન્સ સમયસર રીન્યુ ન કરાવવા બદલ ડેઝિગ્નેટેડ ઓફિસર અને ખાદ્ય સુરક્ષા અધિકારીની ટીમે આખા એકમને સ્થળ પર જ સીલ કરી દીધું હતું. આ દરોડા દરમિયાન કુલ ૪૮ કિલો વાસી અને ઝેરી ખોરાકનો જથ્થો ઝડપી તેનો નાશ કરાયો હતો. નગરપાલિકાએ હોટેલોમાં જોવા મળેલી ભયાનક અસ્વચ્છતા બદલ રૂ. ૧,૫૦૦ નો રોકડ દંડ વસૂલી પાંચથી વધુ એકમોને આકરી નોટિસો ફટકારી હતી. શંકાસ્પદ ખાદ્ય સામગ્રીના સેમ્પલ લઈ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે અને તંત્રે સ્પષ્ટ ચેતવણી આપી છે કે પ્રજાના જીવ સાથે રમત રમનારા કોઈપણ એકમને બક્ષવામાં આવશે નહીં.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com