Skip to main content

Geo Gujarat News

ભરુચ: ડેબાર હેડ વર્ક્સના કામદારોના શ્રમ શોષણ સામે જંગ, કોન્ટ્રાક્ટરે બાકી પગાર અને ધમકીઓ આપતાં ચકચાર, એજન્સીને બ્લેકલિસ્ટ કરી આંદોલનની ઉગ્ર ચીમકી!

ભરૂચ જિલ્લાના ડેબાર ગામ સ્થિત હેડ વર્ક્સ ખાતે રાત-દિવસ સેવા આપતા ગરીબ ઓપરેટરો, વાલ્વમેન, લાઈનમેન અને સફાઈ કામદારોના હક અને પરસેવાની કમાણી પર ત્રાપ મારીને તેમનું આર્થિક શોષણ કરવામાં આવતું હોવાનો સનસનાટીભર્યો મામલો સામે આવ્યો છે. સરકારી નિયમ મુજબનું લઘુત્તમ વેતન ચૂકવવાના બદલે પોતાના હકના નાણાં માગનારા પીડિત કામદારોને નોકરીમાંથી કાઢી મૂકવાની અને ગંભીર પરિણામો ભોગવવાની ખુલ્લેઆમ ધમકીઓ આપવામાં આવી રહી છે. શ્રમજીવીઓએ સણસણતો આક્ષેપ કર્યો છે કે મુખ્ય એજન્સી વેલજી રત્ના સોરઠીયા ઇન્ફ્રા. પ્રા. લિ. અને તેના પેટા કોન્ટ્રાક્ટર સરમન કોડવાલા દ્વારા કાયદાનું ધિષ્ટાંત ઉડાવીને તેમનું શોષણ કરવામાં આવી રહ્યું છે. ગત ૪ મે ૨૦૨૬ના રોજ પેટા કોન્ટ્રાક્ટરે એક મહિનામાં બાકી નીકળતું તમામ વેતન ચૂકવી દેવાનું નોટરાઇઝડ બાંહેધરીપત્ર આપ્યું હોવા છતાં, સમયમર્યાદા વિતી ગયા બાદ પણ હજુ સુધી એજન્સી દ્વારા કામદારોને એક પણ રૂપિયો ચૂકવાયો નથી.શોષણ અને દાદાગીરી સામે આરપારના મૂડમાં આવેલા કામદારોએ મુખ્ય એજન્સીના આશિષ માલસેતર તેમજ પેટા કોન્ટ્રાક્ટર સામે ધમકી અને વેતન કૌભાંડ અંગે તાત્કાલિક કાયદેસરની તપાસ હાથ ધરવાની આકરી માગ કરી છે. આક્રોશિત કામદારોએ તંત્ર સમક્ષ ત્વરિત કડક પગલાં ભરી ભ્રષ્ટ એજન્સીને કાયમ માટે બ્લેકલિસ્ટ કરવા, બાકી નીકળતું તમામ વેતન ત્વરિત અપાવવા અને આ કાનૂની વિવાદ દરમિયાન કોઈપણ કામદારને ગેરકાયદેસર રીતે નોકરીમાંથી દૂર ન કરવાની સ્પષ્ટ ચીમકી આપી છે. શોષિત કામદારોએ અલ્ટીમેટમ આપતાં જણાવ્યું છે કે જો આગામી ૭ દિવસની અંદર તેમની ન્યાયી માગણીઓ પર યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે, તો તેઓ લેબર કમિશનરના દ્વાર ખખડાવીને વિરાટ આંદોલન છેડશે, જેની સંપૂર્ણ જવાબદારી ભ્રષ્ટ એજન્સી અને વહીવટી તંત્રની રહેશે.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.

error: Content is protected !!