ભરૂચ શહેરમાં ખાણી-પીણીના શોખીનો અને નાગરિકોના આરોગ્ય સાથે ખુલ્લેઆમ ખિલવાડ કરતી વેપારી મનોવૃત્તિનો વધુ એક ભયાનક પર્દાફાશ થયો છે. સ્ટેશન રોડ પર આવેલી અત્યંત જાણીતી ઇન્ડિયન બેકરી માંથી એક જાગૃત નાગરિકે ખરીદેલા પફની અંદરથી અત્યંત દુર્ગંધ મારતું અને તદ્દન સડી ગયેલું બટાકાનું માવણું નીકળતાં સમગ્ર શહેરમાં ચકચાર મચી ગઈ છે. ગ્રાહકે નાસ્તા માટે ખરીદેલા પફમાંથી અસહ્ય વાસ આવતાં તેણે બેકરીના સંચાલકોને પૂછપરછ કરી હતી, પરંતુ સંચાલકોએ કોઈ જ સંતોષકારક જવાબ ન આપતાં આ જાગૃત ગ્રાહકે પુરાવાઓ સાથે તાત્કાલિક ભરૂચ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી.
ગ્રાહકની કડક ફરિયાદના પગલે સફાળી જાગેલી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે ઇન્ડિયન બેકરી પર તાત્કાલિક દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન તંત્રે સ્થળ પરથી માનવ સ્વાસ્થ્ય માટે હાનિકારક એવા આશરે ૧૦૦ જેટલા વાસી પફનો જથ્થો જપ્ત કરી તેનો નાશ કરાયો હતો. આ ઉપરાંત, ગંભીર બેદરકારી બદલ બેકરીને એક દિવસની ફરજિયાત ક્લોઝર નોટિસ ફટકારીને દુકાન તાત્કાલિક અસરથી બંધ કરાવી દેવામાં આવી છે. જોકે, નફો કમાવવાની અંધારી લ્હાયમાં લોકોના આરોગ્ય અને જીવ સાથે રમત રમતી આવી બેકરીઓ સામે માત્ર એક દિવસની ક્લોઝર નોટિસને પ્રજા અત્યંત હળવી ગણાવી રહી છે. જો આવો ઝેરી અને સડેલો ખોરાક ખાવાથી કોઈ અણબનાવ બને તો તેની જવાબદારી કોની? તેવા સવાલો સાથે નગરજનો આવી લાપરવાહ બેકરીઓનું ફૂડ લાયસન્સ કાયમી ધોરણે રદ કરવાની આકરી માંગ કરી રહ્યા છે.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com