દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ટોલ વસૂલવામાં તંત્રની કામગીરી ચુસ્ત દેખાય છે, પરંતુ વાહનચાલક મુશ્કેલીમાં મુકાય ત્યારે ઇમરજન્સી સેવા કેટલી સક્રિય છે તે અંગે ગંભીર સવાલો ઊભા થયા છે. ખાસ કરીને રાત્રિના સમયે વાહન રસ્તા વચ્ચે બગડી જાય અને કલાકો સુધી મદદ ન મળે તો આ સ્થિતિ માત્ર બેદરકારી નહીં, પરંતુ વાહનચાલકોની સુરક્ષા સાથે સીધો ચેડો ગણાય તેવો ગંભીર મુદ્દો છે. ગોધરાથી સરભાણ ગામ તરફ પોતાની ફોરવ્હીલ લઈને જઈ રહેલા મહેન્દ્રસિંહ ખુમાનસિંહ પાટણવાડિયાની ગાડી હાલોલ નજીક દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર અચાનક બંધ પડી હતી. મુશ્કેલીમાં મુકાયેલા વાહનચાલકે તાત્કાલિક મદદ માટે 1033 હેલ્પલાઇનનો સહારો લીધો હતો. પરંતુ તેમના આક્ષેપ મુજબ એક-બે નહીં, 30થી વધુ વખત કોલ કરવા છતાં કોઈ જવાબ મળ્યો ન હોતો. વાહનચાલકના જણાવ્યા મુજબ લગભગ બે-ત્રણ કલાક સુધી મદદની રાહ જોવી પડી હતી.
હાઈવે જેવી ઝડપી અવરજવર ધરાવતી જગ્યાએ રાત્રિના સમયે વાહન રસ્તા વચ્ચે ઉભું હોય અને સમયસર પેટ્રોલિંગ કે રેસ્ક્યૂ સહાય ન મળે તો પાછળથી આવતા વાહનો સાથે અકસ્માતનો ખતરો પણ ઊભો થઈ શકે છે. આવી સ્થિતિમાં હેલ્પલાઇનની તાત્કાલિક કામગીરી અત્યંત જરૂરી બની જાય છે. હદ તો ત્યારે થઈ જ્યારે સ્થાનિક સ્તરે મદદ ન મળતાં વાહનચાલકને આશરે 150 કિલોમીટર દૂર રહેલા પોતાના ભાઈને મદદ માટે બોલાવવાની ફરજ પડી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. સવાલ એ છે કે જો હાઈવે પર ટોલ ભરનાર વાહનચાલકને પોતાની જ મુશ્કેલીમાંથી બહાર આવવા માટે દૂર રહેતા પરિવારજનોનો સહારો લેવો પડે, તો પછી હાઈવેની ઇમરજન્સી સર્વિસ અને 1033 હેલ્પલાઇનની વ્યવસ્થા શા માટે?
વાહનચાલકના આક્ષેપ મુજબ લગભગ ત્રણ કલાક બાદ હાઈવે પેટ્રોલિંગની ગાડી સ્થળ પર પહોંચી હતી. પરંતુ પેટ્રોલિંગ કર્મચારીઓ તરફથી યોગ્ય સહાય અને જવાબદારીપૂર્વકની કામગીરી કરવામાં આવી ન હોવાનો પણ આરોપ છે. સમગ્ર ઘટનાક્રમ દરમિયાન થયેલી વાતચીતના વીડિયો વાહનચાલકે પોતાના મોબાઇલમાં રેકોર્ડ કર્યા હોવાનું પણ જાણવા મળે છે. 30થી વધુ કોલ બાદ પણ જવાબ નહીં, આ માત્ર એક નંબરની નિષ્ફળતા છે કે સમગ્ર ઇમરજન્સી સિસ્ટમની? 1033 હેલ્પલાઇન વાહનચાલકોને મુશ્કેલીના સમયે તાત્કાલિક સહાય પહોંચાડવા માટે છે. જો વાસ્તવિક કટોકટીના સમયે કોલ જ રિસીવ ન થાય, તો આ હેલ્પલાઇનની કાર્યક્ષમતા સામે સવાલ ઊભો થવો સ્વાભાવિક છે. ટોલ વસૂલાતમાં કોઈ વિલંબ ન થાય, પરંતુ સેવા આપવાની વેળાએ વાહનચાલક કલાકો સુધી રસ્તા પર અટવાઈ રહે, આવી વ્યવસ્થા સામે હવે જવાબ માંગવાનો સમય આવી ગયો છે. ટોલ માત્ર રસ્તા પરથી પસાર થવાનો ચાર્જ નથી; વાહનચાલકોની સલામતી અને ઇમરજન્સી સમયે જરૂરી સહાય પણ હાઈવે વ્યવસ્થાનો મહત્વનો ભાગ છે. ખાસ કરીને રાત્રિના સમયે હાઈવે પર વાહન બગડવું જોખમી બની શકે છે. અંધારામાં ઊભેલું વાહન, ઝડપી ગતિએ દોડતા વાહનો અને લાંબા સમય સુધી મદદ ન પહોંચે તેવી સ્થિતિ કોઈ મોટી દુર્ઘટનાનું કારણ બની શકે છે. તેથી આવી ફરિયાદને સામાન્ય ફરિયાદ ગણીને દબાવી દેવાને બદલે સમગ્ર ઘટનાની ગંભીર તપાસ જરૂરી છે.
સંબંધિત હાઈવે ઓથોરિટી અને ટોલ સંચાલક એજન્સીએ 1033 પર થયેલા તમામ કોલનો રેકોર્ડ તપાસવો જોઈએ. કોલ કયા સમયે કરવામાં આવ્યા, કેટલા કોલ આવ્યા, કેટલા કોલ રિસીવ થયા અને મદદ પહોંચવામાં ત્રણ કલાક જેટલો સમય કેમ લાગ્યો, દરેક સવાલનો સ્પષ્ટ જવાબ જાહેર થવો જોઈએ. વાહનચાલકને મુશ્કેલી પડે ત્યારે કોણ જવાબદાર? નો સવાલ ઊભો ન થાય, પરંતુ મદદ કેટલા સમયમાં પહોંચશે? તેનો જવાબ મળવો જોઈએ. જો ટોલ વસૂલવામાં તંત્ર સંપૂર્ણપણે સક્રિય છે, તો મુશ્કેલીમાં મુકાયેલા વાહનચાલક સુધી સેવા પહોંચાડવામાં પણ એટલી જ ગંભીરતા દેખાવવી જરૂરી છે. દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ગાડી બગડે તો 1033ને કોલ કરવો કે પછી 150 કિલોમીટર દૂરથી પોતાના સગાને બોલાવવો? આ સવાલ માત્ર એક વાહનચાલકનો નથી. એક્સપ્રેસવે પર રાત્રિના સમયે મુસાફરી કરતા દરેક વાહનચાલકની સુરક્ષા સાથે જોડાયેલો છે. સંબંધિત તંત્ર હવે આ ગંભીર આક્ષેપોની તપાસ કરી 1033 હેલ્પલાઇનની વાસ્તવિક કામગીરી, પેટ્રોલિંગ વ્યવસ્થા અને ઇમરજન્સી રિસ્પોન્સ સિસ્ટમ અંગે જવાબદારી નક્કી કરશે કે નહીં, તે જોવું રહ્યું.

Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com