Skip to main content

Geo Gujarat News

અંકલેશ્વરમાં સિંચાઈ વિભાગના ૬ કરોડના વિવિધ વિકાસ કામોનું ખાતમુહૂર્ત, જળ સંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલે નવી ઓફિસ અને બંગલો નિર્માણનો શિલાન્યાસ કર્યો!

દક્ષિણ ગુજરાતના ખેડૂતોને સિંચાઈની ઉત્તમ સુવિધાઓ પૂરી પાડવા અને વહીવટી તંત્રને વધુ સુદૃઢ બનાવવાના ઉદ્દેશથી અંકલેશ્વરની કરજણ કોલોની ખાતે રાજ્યના જળ સંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે સિંચાઈ વિભાગના રૂ. ૬ કરોડના વિવિધ પ્રકલ્પોનું ભવ્ય ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. રૂ. ૬ કરોડના માતબર ખર્ચે આકાર પામનારા આ પ્રકલ્પો અંતર્ગત ‘કન્સ્ટ્રક્શન ઓફ ઇન્સ્પેક્શન બંગલો’, ‘યુ.આર.પી.બી.સી.આઈ. ડિવિઝન’ તેમજ ‘સબ-ડિવિઝન ઓફિસ બિલ્ડિંગ’ જેવા અત્યાધુનિક વહીવટી મકાનોનું નિર્માણ હાથ ધરવામાં આવશે. આ ખાતમુહૂર્ત પ્રસંગે જળ સંપત્તિ મંત્રીએ સ્પષ્ટ કર્યું હતું કે, આ નવા સુસજ્જ કાર્યાલયો તૈયાર થતાં જ સિંચાઈ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓની કામગીરી વધુ ઝડપી અને સુદૃઢ બનશે, જેનાથી પ્રજાકીય કામોનો સમયસર નિકાલ થઈ શકશે.આ ખાતમુહૂર્ત સમારોહમાં ભરૂચ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ અજિત વસાવા, તાલુકા પંચાયત પ્રમુખ વિવેક ભરડીવાલા, નગરપાલિકા પ્રમુખ જીગ્નેશ અંદાડીયા, જાણીતા લોકગાયક અભેસિંહ રાઠોડ અને સુરત સિંચાઈ વર્તુળના અધિક્ષક ઈજનેર એસ.બી. દેશમુખ સહિત જળ સંપત્તિ અને કરજણ સિંચાઈ યોજનાના ઉચ્ચ અધિકારીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. મંત્રી ઈશ્વરસિંહ પટેલે વધુમાં ઉમેર્યું હતું કે, રાજ્ય સરકાર દક્ષિણ ગુજરાતના છેવાડાના ખેડૂત સુધી સિંચાઈનું પૂરતું પાણી પહોંચાડવા માટે સતત કટિબદ્ધ છે. નવી ઓફિસ બિલ્ડિંગના નિર્માણથી અધિકારીઓને શ્રેષ્ઠ કાર્યસુવિધા મળશે, જેથી કરજણ સિંચાઈ યોજના હેઠળના વિવિધ કેનાલ અને જળ વ્યવસ્થાપનના કામોને વધુ ગતિ આપી શકાશે.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.

error: Content is protected !!