Skip to main content

Geo Gujarat News

ભાવનગર લઠ્ઠાકાંડનો સૌથી મોટો ખુલાસો, ઉજ્જૈનથી આવેલા ‘ડોક્ટર’ ની ફોર્મ્યુલાથી વરતેજમાં જ બન્યો હતો ઝેરી દારૂ; ૧૩ આરોપીઓના ૧૦ દિવસના રિમાન્ડ, વકીલોએ કેસ લડવા કર્યો સ્પષ્ટ ઇનકાર!

ગાંધીના ગુજરાતમાં કાગળ પરની દારૂબંધીના ધિષ્ટાંત ઉડાવતા ભયાનક ભાવનગર કથિત લઠ્ઠાકાંડમાં હચમચાવી દેનારા અને અત્યંત ચોંકાવનારા ધડાકા થયા છે. નકલી વિદેશી દારૂના નામે ઝેરી કેમિકલયુક્ત દારૂ પીવાથી શિક્ષક સહિત ૬ થી વધુ લોકોના મોત નીપજતાં સમગ્ર રાજ્યમાં ભારે હાહાકાર મચી ગયો છે. પોલીસે ઝડપી પાડેલા ૨૧ પૈકી ૧૩ મુખ્ય સાતિર આરોપીઓને કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. સુનાવણી દરમિયાન સરકારી વકીલની ધારદાર દલીલો અને કૌભાંડની ગંભીરતાને ધ્યાનમાં રાખીને કોર્ટે તમામ ૧૩ આરોપીઓના ૧૦ દિવસના આકરા પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે. બીજી તરફ, માસૂમ લોકોના જીવ સાથે રમત રમનારા આ નરાધમો સામે ભારે જનઆક્રોશ વચ્ચે ભાવનગર ક્રિમિનલ બાર એસોસિએશને ઐતિહાસિક અને આકરો ઠરાવ પસાર કરીને આ લઠ્ઠાકાંડમાં સંડોવાયેલા એક પણ આરોપીનો કેસ ન લડવાનો સર્વાનુમતે કડક નિર્ણય લીધો છે.જિલ્લા પોલીસ વડા (SP) મયુરસિંહ ચાવડાએ પત્રકાર પરિષદમાં સત્તાવાર રીતે સ્વીકાર કર્યો હતો કે આ કોઈ બહારથી લવાયેલો દારૂ નહોતો, પરંતુ ભાવનગરના વરતેજમાં આવેલ મુખ્ય આરોપી ગૌતમ સોલંકીના ઘરમાં જ તૈયાર કરાયેલો ઝેરી દારૂ હતો. દારૂ બનાવવાની ફોર્મ્યુલા આપવા માટે મધ્ય પ્રદેશના ઉજ્જૈનથી નરેન્દ્રસિંહ યાદવ ઉર્ફે ‘ડોક્ટર’ નામનો શખસ ખાસ આવ્યો હતો. અમદાવાદના સરખેજના એક ટ્રાન્સપોર્ટર મારફતે અન્ય રાજ્યોમાંથી મિથેનોલ, ઇથેનોલ અને એસેન્સ જેવા અત્યંત ખતરનાક કેમિકલ્સ લાવીને વરતેજમાં જ નકલી બોટલો, બોગસ ઢાંકણા અને નકલી સ્ટીકરો લગાડીને ‘રોયલ સ્ટેગ’ બ્રાન્ડની ૨૫૦ થી વધુ ઝેરી બોટલો તૈયાર કરવામાં આવી હતી. કમનસીબે, આ ઝેરી ફોર્મ્યુલા આપનાર ‘ડોક્ટર’ નરેન્દ્રસિંહે પોતે પણ આ દારૂ પીધો હતો, જેથી તેનું પણ કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે આ સમગ્ર કૌભાંડનો મુખ્ય સૂત્રધાર રઈસુદ્દીન ઉર્ફે રઈસ મધ્ય પ્રદેશથી પકડાઈ ગયો છે.આ ભયાનક માનવસર્જિત આપદામાં અત્યાર સુધીમાં શિક્ષક હિતેશ પરમાર, કનકસિંહ ગોહિલ, ઉપેન્દ્રસિંહ ગોહિલ, કાર્તિક મકવાણા, ધનશ્યામસિંહ જાડેજા અને નરેન્દ્રસિંહ યાદવના મોત નીપજ્યા છે. હજુ પણ અનેક દર્દીઓ ICU અને વેન્ટિલેટર પર જિંદગી અને મોત વચ્ચે ઝોલાં ખાઈ રહ્યા હોવાથી મૃત્યુઆંક વધવાની ગંભીર ભીતિ સેવાય રહી છે. પોલીસની ઘોર બેદરકારી સામે લાલ આંખ કરીને તંત્રે એલસીબી પીઆઈ મયુરધ્વજસિંહ સરવૈયા, વરતેજ પીઆઈ એ.બી. પઢેરીયા તેમજ બીટ જમાદાર અને ડી-સ્ટાફના કર્મચારીઓ સહિત ૫ પોલીસ અધિકારી-કર્મચારીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધા છે. પોલીસે હાલ ૧૩૦ થી વધુ ઝેરી બોટલો જપ્ત કરી છે અને પ્રજાના જીવ બચાવવા માટે ‘૮૯૦૧૫૨૨૦૦૦૬૬૫’ બારકોડ નંબરવાળી દારૂની કોઈ પણ નકલી બોટલ ભૂલથી પણ ન પીવા માટે આકરી જાહેરાત સાથે ચેતવણી જારી કરી છે.

 

 

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.

error: Content is protected !!