વાગરા તાલુકાના ચાંચવેલ પંથકમાં વિકાસના કામના નામે સામાન્ય પ્રજાને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. ચાંચવેલથી દહેજ તરફ જતા મુખ્ય માર્ગ પર પાલડી ગામ નજીક નવા બ્રિજનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે, જેના પગલે તંત્ર દ્વારા કોઈ યોગ્ય પૂર્વ સૂચના કે અસરકારક વૈકલ્પિક વ્યવસ્થા વિના માર્ગ બંધ કરી દેવામાં આવતા હોવાના આક્ષેપ સાથે સ્થાનિકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. માર્ગ અચાનક બંધ કરી દેવામાં આવતા ચાંચવેલ સહિત આસપાસના ગામોના નોકરીયાતો, વિદ્યાર્થીઓ, વેપારીઓ, ખેડૂતો અને રોજિંદી અવરજવર કરતા વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. વિકાસના કામ સામે વિરોધ નથી, પરંતુ વિકાસના નામે પ્રજાનો મુખ્ય રસ્તો જ બંધ કરી દેવામાં આવે અને વૈકલ્પિક માર્ગની વ્યવસ્થા પણ ન કરવામાં આવે તે તંત્રની ગંભીર બેદરકારી છે, તેવી લાગણી ગ્રામજનોમાં જોવા મળી રહી છે. આ મુદ્દે ગત રાત્રિના સમયે ગ્રામજનો મોટી સંખ્યામાં એકત્ર થયા હતા અને રસ્તો બંધ કરવાના નિર્ણય સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. ચાંચવેલ ગામના સરપંચ તેમજ ગામના આગેવાન સફીક મોલુની આગેવાની હેઠળ સ્થાનિક ગ્રામજનો અને વાહનચાલકોએ એકત્ર થઈ તંત્રની કામગીરી સામે ભારે રોષ વ્યક્ત કર્યો હતો. રાત્રિના સમયે જ ગ્રામજનો રસ્તા પર એકત્ર થતા સમગ્ર મામલો ચર્ચાનો વિષય બન્યો હતો.
ગ્રામજનોનું સ્પષ્ટ કહેવું છે કે બ્રિજનું કામ જરૂરી હોય તો તંત્રએ તે પૂર્ણ કરવું જોઈએ, પરંતુ તેની આડઅસર સીધી સામાન્ય પ્રજાના માથે નાખી દેવી યોગ્ય નથી. કામ શરૂ કરતા પહેલાં ટ્રાફિક વ્યવસ્થા, વૈકલ્પિક માર્ગ અને નાના વાહનોની અવરજવર અંગે યોગ્ય આયોજન કરવું તંત્રની જવાબદારી છે. ખાસ કરીને આમોદ-મુલેર તરફનો માર્ગ તેમજ મુલેરથી વાયા દહેજ જતા રસ્તા પર બાઈક સહિતના દ્વિચક્રી વાહનો અને ફોરવીલ જેવા નાના વાહનો માટે ડાયવર્ઝન ખુલ્લું કરવામાં આવે, તેવી ગ્રામજનોની મક્કમ માંગ છે. નાના વાહનો માટે યોગ્ય સાઈડ રૂટ શરૂ કરવામાં આવે તો રોજિંદા અપડાઉન કરતા નાગરિકો, વિદ્યાર્થીઓ અને વેપારીઓની મુશ્કેલીમાં મોટો ઘટાડો થઈ શકે તેમ છે. એક તરફ વિકાસના મોટા દાવા કરવામાં આવે છે. અને બીજી તરફ પ્રજાની અવરજવર માટેનો મુખ્ય માર્ગ કોઈ યોગ્ય વૈકલ્પિક વ્યવસ્થા વિના બંધ કરી દેવામાં આવે છે ત્યારે વિકાસ કોના માટે અને પ્રજાની સુવિધા ક્યાં? તેવો સવાલ હવે તંત્ર સામે ઊભો થયો છે. ગ્રામજનોનો રોષ માત્ર રસ્તો બંધ થવા પૂરતો નથી, પરંતુ પૂર્વ આયોજનના અભાવ અને પ્રજાની સુવિધાની અવગણના સામેનો આક્રોશ છે. હવે જો તંત્ર દ્વારા તાત્કાલિક યોગ્ય ડાયવર્ઝન અથવા નાના વાહનો માટે વૈકલ્પિક માર્ગની વ્યવસ્થા કરવામાં નહીં આવે તો ચાંચવેલ પંથકની પ્રજાની હાલાકી વધુ વકરવાની શક્યતા છે. ગ્રામજનોની સ્પષ્ટ માંગ છે કે બ્રિજનું કામ ચાલુ રાખો, પરંતુ પ્રજાનો રસ્તો સંપૂર્ણ બંધ કરીને નહીં, સુરક્ષિત ડાયવર્ઝન સાથે કામ કરો અને લોકોને રાહત આપો.

Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com