વાગરા તાલુકાના કડોદરા ગામ નજીક આવેલી સુપરફોર્મ કંપની સામે છેલ્લા પાંચ વર્ષથી ખેડૂતો અને સ્થાનિકોમાં ઉકળતો અસંતોષ હવે આંદોલનના તબક્કે પહોંચ્યો છે. ખેડૂતોનો આક્ષેપ છે કે, કંપની તરફથી નીકળતા પાણીના કારણે આસપાસના ખેતરોમાં વારંવાર પાણી ભરાઈ રહે છે, જેના પગલે ખેતીકામ, જમીનની ખેડ અને પાકના કામોમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. લાંબા સમયથી સમસ્યા ભોગવી રહેલા ખેડૂતોમાં હવે તંત્ર અને કંપની સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. ખેડૂતોના જણાવ્યા મુજબ પાણીની સમસ્યાના કાયમી ઉકેલ માટે કંપનીના જવાબદાર અધિકારીઓ સમક્ષ અનેક વખત મૌખિક તેમજ લેખિત રજૂઆતો કરવામાં આવી છે. કંપની સાથે બેઠકો યોજાઈ હોવા છતાં સમસ્યાનું કાયમી નિરાકરણ આવ્યું નથી. એટલું જ નહીં, સંબંધિત સરકારી કર્મચારીઓ અને અધિકારીઓને પણ લેખિત રજૂઆતો કરવામાં આવી હોવાનો ખેડૂતોનો દાવો છે. તેમ છતાં સમસ્યા યથાવત રહેતા ખેડૂતોમાં સવાલ ઉઠી રહ્યો છે કે પાંચ વર્ષથી રજૂઆતો છતાં કાર્યવાહી કેમ થતી નથી? હવે ખેડૂતોએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે વહેલી તકે પાણીની સમસ્યાનું કાયમી નિરાકરણ નહીં આવે તો તેઓ પરિવારજનો સાથે કંપનીના મુખ્ય ગેટ સામે અનિશ્ચિત મુદતના ધરણા પર બેસશે. ખેડૂતોનું કહેવું છે કે ધરણા દરમિયાન કોઈ અનિચ્છનીય પરિસ્થિતિ ઊભી થાય તો તેની જવાબદારી કંપની તેમજ સંબંધિત તંત્રની રહેશે. આ ચીમકીથી આગામી દિવસોમાં કડોદરા પંથકમાં આ મુદ્દો વધુ ઉગ્ર બનવાના એંધાણ દેખાઈ રહ્યા છે.
તો બીજી તરફ, કંપની સામે માત્ર ખેડૂતો જ નહીં પરંતુ આસપાસના ગામોના યુવાનોમાં પણ અસંતોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિક યુવાનોનો આક્ષેપ છે કે છેલ્લા ત્રણથી ચાર વર્ષ દરમિયાન કંપનીમાં સ્થાનિક લોકોને પૂરતી રોજગારીની તકો આપવામાં આવી નથી. એપ્રેન્ટિસશિપમાં પણ સ્થાનિક યુવાનોને પૂરતી તક ન મળતી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. યુવાનો દ્વારા સ્થાનિક રોજગારીના મુદ્દે ભેદભાવ થતો હોવાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. એક તરફ ખેતરોમાં ભરાતા પાણીનો પ્રશ્ન અને બીજી તરફ સ્થાનિક રોજગારીનો મુદ્દો આ બંને બાબતે રોષ વધતા હવે કડોદરા સહિત આસપાસના ગામોમાં કંપની સામે આંદોલનની ચર્ચા તેજ બની છે. સ્થાનિકોનું કહેવું છે કે વિકાસની આડમાં ખેડૂતો અને ગામના યુવાનોના હિતોની અવગણના સહન કરવામાં નહીં આવે. માગણીઓનો ઉકેલ નહીં આવે તો મોટી સંખ્યામાં લોકો કંપનીના ગેટ સામે એકત્ર થઈ ધરણા-પ્રદર્શન કરશે તેવી ચીમકી આપવામાં આવી છે. આ સમગ્ર મામલે કંપની તરફથી હાલ કોઈ સત્તાવાર સ્પષ્ટતા સામે આવી નથી. ખેડૂતો અને સ્થાનિક યુવાનોના આક્ષેપોની સ્વતંત્ર પુષ્ટિ થવાની બાકી છે. જોકે પાંચ વર્ષ જૂની પાણીની સમસ્યા અને સ્થાનિક રોજગારીના મુદ્દે વધતો રોષ જોતા તંત્ર દ્વારા સમયસર હસ્તક્ષેપ નહીં કરવામાં આવે તો કડોદરામાં મોટું આંદોલન ઊભું થાય તેવી સ્થિતિ સર્જાઈ રહી છે.
Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com