Skip to main content

Geo Gujarat News

વાગરા: ચાંચવેલ-દહેજ માર્ગ બંધ કરી દીધો, હવે નોકરીયાતો જશે ક્યાં? મામલતદારને આવેદન, ગ્રામજનોનો તંત્રને સીધો સવાલ

વિકાસના નામે માર્ગ બંધ કરી દેવાયો, પરંતુ તેના કારણે સ્થાનિક પ્રજાને પડતી મુશ્કેલીનું શું? વાગરા તાલુકાના ચાંચવેલ પંથકમાં પાલડી બ્રિજના કામને લઈને ચાંચવેલથી દહેજ તરફ જતો માર્ગ બંધ કરવામાં આવતા ગ્રામજનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. ચાંચવેલ ગ્રામ પંચાયત દ્વારા વાગરા મામલતદારને લેખિત રજૂઆત કરી સમગ્ર મુદ્દે તાત્કાલિક વ્યવહારુ ઉકેલ લાવવાની માંગ કરવામાં આવી છે, ત્યારે સ્થાનિક આગેવાનો અને ગ્રામજનો દ્વારા પણ આ મુદ્દે ખુલ્લેઆમ પોતાની નારાજગી વ્યક્ત કરવામાં આવી છે. ચાંચવેલ ગ્રામ પંચાયતની રજૂઆત મુજબ પાલડી બ્રિજની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ચાંચવેલી મુવેર તરફ જતા માર્ગ પર ભારે વાહનોની અવરજવર બંધ કરવામાં આવી છે. પરંતુ આ નિર્ણયની સીધી અસર રોજગારી માટે દરરોજ અવરજવર કરતા નોકરીયાતો અને બાઈકચાલકો પર પડી રહી છે. ભારે વાહનો માટે રસ્તો બંધ રાખવો હોય તો રાખો, પરંતુ સામાન્ય બાઈકચાલકો માટે પણ રસ્તો સંપૂર્ણ બંધ કરી દેવાનો નિર્ણય કેટલો વ્યવહારુ છે? એવો સવાલ હવે ગ્રામજનો ઉઠાવી રહ્યા છે.સ્થાનિકોના જણાવ્યા મુજબ ચાંચવેલ પંથકમાંથી મોટી સંખ્યામાં લોકો દહેજના ઔદ્યોગિક વિસ્તારમાં નોકરી-ધંધા માટે દરરોજ બાઈક પર અવરજવર કરે છે. રસ્તો બંધ થતાં તેમને લાંબો અને જોખમી વૈકલ્પિક માર્ગ અપનાવવાની ફરજ પડી રહી છે. ખાસ કરીને શિફ્ટમાં કામ કરતા નોકરીયાતો માટે આ પરિસ્થિતિ વધુ મુશ્કેલીજનક બની છે. વિકાસનું કામ લોકોની સુવિધા માટે હોય છે, પરંતુ જો એ જ વિકાસના કામને કારણે રોજગાર માટે જતા લોકોને દરરોજ જોખમ અને વધારાનો ધક્કો ખાવો પડે તો તંત્રએ તેની જવાબદારી પણ લેવી જોઈએ તેવી માંગ ઉઠી છે. બીજી તરફ ચાંચવેલી ઔદ્યોગિક વિસ્તાર તરફનો વૈકલ્પિક રસ્તો સિંગલ રોડ હોવા ઉપરાંત તેની હાલત પણ કથળેલી હોવાનો ગ્રામ પંચાયતનો આક્ષેપ છે. આ માર્ગ પરથી ઓવરલોડ અને ભારે વાહનોની અવરજવર ચાલુ રહેતાં રસ્તાની સ્થિતિ વધુ ખરાબ બની રહી છે. આવા રસ્તા પર બાઈકચાલકોને પસાર થવું પડે ત્યારે અકસ્માતનું જોખમ વધે છે. એટલે એક તરફ મુખ્ય માર્ગ બંધ અને બીજી તરફ જોખમી વૈકલ્પિક માર્ગ, આવી સ્થિતિમાં સામાન્ય પ્રજા વચ્ચે ફસાયેલી જોવા મળી રહી છે.ગ્રામજનોની રજૂઆતમાં બદલપુરા બ્રિજની સ્થિતિ અંગે પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. ભારે વાહનોની અવરજવર વચ્ચે રસ્તાની સુરક્ષા અને સ્થાનિક વાહનચાલકોની સલામતી અંગે યોગ્ય તકેદારી જરૂરી હોવાનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે. ગ્રામ પંચાયતનું કહેવું છે કે માત્ર પ્રતિબંધ મૂકી દેવાથી સમસ્યાનો અંત આવતો નથી; સ્થાનિક લોકો માટે સુરક્ષિત, નિયંત્રિત અને વ્યવહારુ અવરજવરનો રસ્તો પણ તંત્રએ આપવો પડશે. આ મુદ્દે ગ્રામજનોની માંગ સ્પષ્ટ છે. પાલડી બ્રિજની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ટ્રક, ભારે વાહનો અને અન્ય મોટા વાહનો માટે પ્રતિબંધ યથાવત રાખવામાં આવે, પરંતુ ચાંચવેલના સ્થાનિક રહેવાસીઓ અને નોકરીયાત બાઈકચાલકોને જરૂરી ચકાસણી બાદ નિયંત્રિત રીતે અવરજવર કરવાની મંજૂરી આપવામાં આવે. ગ્રામ પંચાયતે આ અંગે ટેકનિકલ તપાસ કરાવી યોગ્ય અને સુરક્ષિત વ્યવસ્થા નક્કી કરવાની પણ માંગ કરી છે.સ્થાનિક આગેવાનો અને ગ્રામજનો દ્વારા માર્ગ બંધ થવાથી ઊભી થયેલી મુશ્કેલીઓ અંગે તંત્ર સમક્ષ પોતાની રજૂઆત અને નારાજગી વ્યક્ત કરવામાં આવી છે. સમગ્ર મામલે હવે સવાલ એ છે કે તંત્ર માત્ર “રસ્તો બંધ”નો આદેશ આપીને બેસી રહેશે કે પછી રસ્તા પર રોજિંદી જિંદગી જીવતી પ્રજાની મુશ્કેલીનો પણ વિચાર કરશે? ચાંચવેલના ગ્રામજનોની માંગ છે કે તંત્ર તાત્કાલિક સ્થળ પરિસ્થિતિનું નિરીક્ષણ કરે, નોકરીયાતો અને સ્થાનિક બાઈકચાલકોની સમસ્યા સમજે અને સુરક્ષિત વૈકલ્પિક વ્યવસ્થા કરે. નહીં તો વિકાસના કામના નામે સામાન્ય પ્રજાને સતત હાલાકી ભોગવવાનો વારો આવે તેવી સ્થિતિ વધુ ઉગ્ર બની શકે છે. હવે નજર એ પર છે કે તંત્ર પ્રજાનો અવાજ સાંભળે છે કે પછી કાગળ પરની રજૂઆત કાગળમાં જ દબાઈ જાય છે.

Naeem Diwan
Author: Naeem Diwan

Owner Of Geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.

error: Content is protected !!