Skip to main content

Geo Gujarat News

આમોદ: ૬૬ કરોડના ખર્ચે દેણવા-ડોલિયા બ્રિજનું ભવ્ય લોકાર્પણ, વાગરા-જંબુસર-આમોદ વચ્ચે કનેક્ટિવિટીને મળશે નવી ગતિ

ભરૂચ જિલ્લાના આમોદ તાલુકામાં ધાધર નદી પર રૂ. ૬૬ કરોડના ખર્ચે નિર્માણ પામેલા નવનિર્મિત દેણવા-ડોલિયા હાઇ લેવલ બ્રિજનું આજે તા. ૨૩ ઓગસ્ટના રોજ ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય દેવ કિશોર સ્વામી તથા જંબુસર તાલુકા પ્રમુખ કિરણબા યાદવના હસ્તે રિબન કાપીને બ્રિજને લોકાર્પિત કરવામાં આવતા ગ્રામજનોમાં ખુશીની લહેર જોવા મળી હતી. લોકાર્પણ પ્રસંગે મોટી સંખ્યામાં ગ્રામજનો અને સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ માર્ગ અને મકાન વિભાગના માર્ગદર્શન હેઠળ રાધે એસોસિએટ્સ દ્વારા તૈયાર કરવામાં આવેલા આ મહત્વપૂર્ણ બ્રિજમાં ૨૦ મીટરના કુલ ૩૬ ગાળા છે.૭૨૦ મીટર લાંબો અને ૧૧ મીટર પહોળો આર.સી.સી. હાઇ લેવલ બ્રિજ દેણવા અને ડોલિયા સહિત આસપાસના અનેક ગામોના લોકો માટે મહત્વપૂર્ણ કનેક્ટિવિટી સાબિત થશે. બ્રિજ સાથે ડોલિયા તરફ ૭ કિલોમીટર અને દેણવા તરફ ૧૧ કિલોમીટર લાંબો એપ્રોચ ડામર રોડ પણ તૈયાર કરવામાં આવ્યો છે. આ બ્રિજ શરૂ થતાં આમોદ, જંબુસર અને વાગરા તાલુકા વચ્ચેની અવરજવર વધુ સરળ બનવાની સાથે વાહનચાલકોના સમય અને અંતરમાં પણ નોંધપાત્ર ઘટાડો થવાની આશા છે. ખાસ કરીને રોજિંદા અપ-ડાઉન કરતા નોકરિયાત વર્ગ, વિદ્યાર્થીઓ, વેપારીઓ અને સ્થાનિક રહેવાસીઓને આ માર્ગનો સીધો લાભ મળશે. લાંબા સમયથી આ વિસ્તારના લોકો જે કનેક્ટિવિટીની રાહ જોઈ રહ્યા હતા, તે હવે સાકાર થઈ છે.જોકે, બ્રિજના લોકાર્પણ સાથે એક મહત્વપૂર્ણ બાબત પણ સામે આવી છે. ધાધર અને વિશ્વામિત્રી નદીના પાણીના પ્રવાહમાં થતા ફેરફાર તેમજ દરિયાની ભરતી-ઓટના કારણે દેણવા તરફ બ્રિજના રસ્તાનું ધોવાણ થયું હતું. જેના પગલે બ્રિજની સુરક્ષા અને મજબૂતી માટે જરૂરી પ્રોટેક્શનનું કામ ચોમાસા બાદ પૂર્ણ કરવામાં આવશે. હાલ સ્થાનિક લોકો અને રોજિંદા અપ-ડાઉન કરતા નોકરિયાત વર્ગની સુવિધાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા બ્રિજને માત્ર ટુ-વ્હીલર, કાર સહિતના હળવા વાહનો માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે. ભારે વાહનોને હાલ પ્રવેશ આપવામાં આવ્યો નથી. પ્રોટેક્શનનું કામ પૂર્ણ થયા બાદ તંત્ર દ્વારા જરૂરી તકનીકી ચકાસણી અને સલામતીની ખાતરી કરવામાં આવશે, ત્યારબાદ જ ભારે વાહનો માટે બ્રિજ ખુલ્લો મૂકવા અંગે નિર્ણય લેવાશે. રૂ. ૬૬ કરોડના ખર્ચે તૈયાર થયેલો આ બ્રિજ માત્ર નદી પાર કરવાનો માર્ગ નહીં, પરંતુ આમોદ, જંબુસર અને વાગરા પંથકના લોકો માટે વિકાસ, રોજગાર, વેપાર અને પરિવહનની નવી તકોને જોડતી મહત્વપૂર્ણ કડી બની રહ્યો છે. લોકાર્પણ પ્રસંગે ઉમટેલી ગ્રામજનોની ભીડ અને લોકોના ઉત્સાહે પણ આ બ્રિજની લાંબા સમયથી રહેલી જરૂરિયાત અને મહત્વને ઉજાગર કર્યું હતું.

વિડિઓ જોવા માટે અહીં ક્લિક કરો..

Yasin Diwan
Author: Yasin Diwan

સમાચાર તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 9574469023

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.

error: Content is protected !!