Skip to main content

Geo Gujarat News

ભરૂચ: વેજલપુરમાં તેજસ્વી તારલાઓનું ભવ્ય સન્માન, ૭૦થી વધુ વિદ્યાર્થીઓને ઇનામો આપી કરાયું બહુમાન

ભરૂચ: સમાજમાં શિક્ષણનો વ્યાપ વધે અને યુવા પ્રતિભાઓને પ્રોત્સાહન મળે તેવા ઉમદા હેતુ સાથે ખારવા પંચ વેજલપુર, ભરૂચ પ્રેરિત યુવા સમિતિ દ્વારા શૈક્ષણિક વર્ષ ૨૦૨૬માં ઉત્કૃષ્ટ પરિણામ મેળવનાર વિદ્યાર્થીઓ માટે ભવ્ય ઇનામ વિતરણ તથા સન્માન સમારોહ-૨૦૨૬નું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં વિદ્યાર્થીઓની શૈક્ષણિક સિદ્ધિઓને બિરદાવતાં સમગ્ર વાતાવરણ ઉત્સાહ અને ગૌરવથી છલકાઈ ઉઠ્યું હતું. વેજલપુર તથા આસપાસના સોસાયટી વિસ્તારોના ખારવા, હાંસોટી અને માછી સમાજના ધોરણ ૧૦ અને ૧૨માં ૭૦ ટકા કે તેથી વધુ ગુણ મેળવનાર તેમજ સ્નાતક, અનુસ્નાતક અને વિવિધ વ્યાવસાયિક અભ્યાસક્રમ સફળતાપૂર્વક પૂર્ણ કરનાર ૭૦થી વધુ તેજસ્વી વિદ્યાર્થીઓએ આ સન્માન સમારોહમાં ભાગ લીધો હતો. આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, ખારવા પંચના ટ્રસ્ટીગણ તથા સમાજના અગ્રણીઓ અને સામાજિક કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોએ વિદ્યાર્થીઓને શિક્ષણ ક્ષેત્રે સતત આગળ વધવા, ઉચ્ચ લક્ષ્યાંકો નક્કી કરવા અને સમાજના વિકાસમાં યોગદાન આપવા પ્રેરક માર્ગદર્શન આપ્યું હતું.સમારોહમાં વિવિધ કેટેગરીમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંક મેળવી ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર આશરે ૨૩ ટોપર વિદ્યાર્થીઓને આકર્ષક ઇનામો, વિશિષ્ટ ભેટો તથા યાદગાર મોમેન્ટો અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. જ્યારે અન્ય તમામ તેજસ્વી વિદ્યાર્થીઓને પણ પ્રોત્સાહક સન્માનપત્ર એનાયત કરી તેમની સિદ્ધિને બિરદાવવામાં આવી હતી. શિક્ષણ ક્ષેત્રે સમાજના ઘડતર માટે મહત્વપૂર્ણ યોગદાન આપનાર કાર્યરત શિક્ષકો તેમજ લાંબી અને નિષ્ઠાપૂર્વકની સેવા પૂર્ણ કરી નિવૃત્ત થયેલા શિક્ષકોનું પણ આ પ્રસંગે વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું. સમાજ તરફથી તેમને શાલ અને મોમેન્ટો અર્પણ કરી તેમની સેવાઓ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવામાં આવી હતી.ખારવા પંચ યુવા સમિતિ દ્વારા યોજાયેલ આ સમગ્ર આયોજનનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓમાં અભ્યાસ પ્રત્યે ઉત્સાહ વધારવાનો અને સમાજની પ્રતિભાઓને યોગ્ય પ્રોત્સાહન આપવાનો રહ્યો હતો. યુવા સમિતિના આ ભગીરથ પ્રયાસને સમાજના અગ્રણીઓ તથા ઉપસ્થિત મહાનુભાવોએ આવકારી અભિનંદન પાઠવ્યા હતા. વિદ્યાર્થીઓના સન્માન સાથે શિક્ષકોને પણ બિરદાવવામાં આવતા આ સમારોહ શિક્ષણ અને સમાજસેવાનો સુંદર સંગમ બની રહ્યો હતો.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.

error: Content is protected !!